July 4, 2019

અષાઢી બીજ… ૧૪૨મી રથયાત્રા…નગર જોવા આવ્યો નાથ… પ્રતિક સંઘવી(પડકાર)

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
                 આજે છે ૪ જુલાઈ ૨૦૧૯. અને ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો અષાઢી બીજ. આજનો દિન એટલે જેમના નામથી શરૂઆત કરી એ જ મારો વ્હાલો કાનુડો આજે નગરચર્યા એ નીકળે છે, અને માત્ર જગન્નાથ પુરી કે અમદાવાદ જ નહી હવે તો ઘણા શહેરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા/નગરયાત્રા નીકળે છે. કહે છે ને કે પહેલાના સમયમાં રાજા રાજ્ય કરતા ત્યારે ક્યારેક રાજા પોતાના પ્રજાજનોના સમાચાર અને સુખ-દુ:ખની માહિતી મેળવવા નગરચર્યાએ નીકળતા જેથી પ્રજાના પ્રશ્નોને જાણી તેનું નિરાકરણ લાવી શકાય. એમ જ વર્ષના આ દિવસે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવે છે. તો ચાલો આ પ્રસંગને અનુરૂપ એવી જ શ્રી પ્રતિક સંઘવીની આ રચના આપને માણવી ગમશે. તથા આ રચના માટે પ્રતિલિપિનો પણ આભાર…. તો ચાલો માણીએ આ રચના… સાથે સાથે અગાઉ આ પ્રસંગે રજૂ થયેલ રચનાઓની પણ મુલાકાત જરૂરથી લેશો…

 ૧૩૨મી રથયાત્રા…મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ…..

ભગવાન જગન્નાથની ૧૩૧મી રથયાત્રા..મારું ચોમાસું ક્યાંક આસપાસ છે…..તુષાર શુક્લ


સખી આજના દી ની નોખી વાત,
સખી આજે રવિ પાડે નોખી ભાત,
સખી મીટ માંડ તો માંડું વાત,
આજે નગર જોવા આવ્યો નાથ.

લીધા હાથે, લીધા ઘોડા,
મૂક્યા રાજપ્રસાદ,
સખી વચ્ચે બેઠી બેનડી,
ડાબે બલરામ તાત,
જમણે મારો કાળિયો ઠાકર,
હસતો વિશ્વ સમ્રાટ,
સખી નગર જોવા આવ્યો નાથ…


ચડ્યો અષાઢ ને વાદળ છાયા,
સખી રોમેં રોમમાં નાથની માયા,
અમીર જોવે ગરીબ જોવે,
મૂકી જાતપાત.
સખી નગર જોવા આવ્યો નાથ…

સખી અમીર જોવે, રાંક જોવે,
અરે દેવો જોવે એની વાટ,
રથમાં બેઠી નગર નિહાળતો,
જબરો એનો ઠાઠ,
સખી નગર જોવા આવ્યો નાથ…

નગર જોવે ને નગર ને જાણે,
સખી નગરનું ભાતું નાથ માણે,
મૂક્યા મહેલ ને મૂક્યા ઝરૂખા,
સખી આજ બ્રહ્મ ફરે સાક્ષાત,
સખી નગર જોવા આવ્યો નાથ…

એ જગતનો રાજા,
અને જગત એનું રાજ,
રથમાં બેઠો જગને જોવે,
વાલો કૃપાળુ જગન્નાથ,
કહે “પડકાર” હૃદયે લેજો,
આ કવિના દિલની વાત.
સખી નગર જોવા આવ્યો નાથ…


સખી મીટ માંડ તો માંડું વાત,
આજે નગર જોવા આવ્યો નાથ.
આજે નગર જોવા આવ્યો નાથ.

No comments: