August 26, 2018

બ્હેન..... તુષાર શુક્લ...

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિ.સં. ૨૦૭૪ની શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન. ભાઈ અને બહેનનાં પ્રેમનો તહેવાર. રાખડી આમ તો માત્ર સૂતરનો ધારો છે, પણ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો અતૂટ પ્રેમ સમાયેલો છે. આમ તો રક્ષાબંધન, બળેવ કે નાળિયેરી પૂનમનું પર્વ ભાઇ-બહેનથી લઇને બ્રાહ્મણો, સાગરખેડૂઓ અને મરજીવાઓ સહુ કોઇ માટે મહત્ત્વનું છે.
          પહેલાના સમયમાં ગામડાંઓમાં ઘણી વખત કુંભસ્નાન કરીને વેદપાઠી બ્રાહ્મણ દ્વારા પણ રક્ષાબંધન કરાવવામાં આવતું. જેમાં સ્નાન કરી ઊન કે સૂતરના ટુકડામાં ચોખા-સરસવ બાંધીને પોટલી બનાવવાની રહેતી. સાથિયા કરી કુંભસ્થાપન કરી વિધિવત યજમાન પોતાના કાંડે રક્ષાની પોટલી બંધાવતા.
        તો ચાલો આજના આ પાવન દિન પર તુષાર શુક્લની ભાઈ-બહેનના પ્રેમ દર્શાવતી આ સુંદર રચના માણીએ,  આશા છે આપને પણ આપની બેનીની યાદ આવી ગઈ હશે. આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.
હૈયેથી હોઠે આવીને
શબ્દ સરે જ્યાં " બ્હેન ",
કેટ કેટલું યાદ આવતું,
ભાવથી ભીંજે નૈન.

નાની બ્હેન જ્યાં ડગલું માંડે,
ત્યાં ત્યાં કંકુ ઢગલી.
મોટી બ્હેનની આંગળી ઝાલી,
શીખ્યા પા પા પગલી.
હસતાં રમતાં લડતાં રડતાં
વીત્યાં દિવસ રૈન....

ચાડી ખાતી, ચૂમી લેતી,
વ્હાલ બની જાય ઢાલ.
જેને બ્હેન મળે આ જગમાં ,
એ છે માલામાલ.
યાદ હજીયે આવે જૂનાં
દફ્તર,પાટી,પેન....

તેં જ બનાવી બ્હેનને, ઇશ્વર,
એની તો ક્યાં ના છે?
"ભાઇ" કહીને મીઠડાં લેતી
બ્હેની તારે ક્યાં છે?
સ્વાર્થ ભરેલા જગમાં ,
વ્હાલનું બીજું નામ છે," બ્હેન"....

No comments: