જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
આજે છે અષાઢ સુદ પૂનમ. એટલે કે ગુરૂપુર્ણિમા. આજનો દિન એટલે મહાભારતના રચયિતા, વેદનું સંકલન કરનાર, ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર એવા શ્રી મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ. અને એટલે જ આજે વ્યાસપૂજન દિવસ તરીકે પણ ઉજવાય છે.
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते ।
अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते ॥
અર્થાત ગુરૂ શબ્દમાં “ગુ” અક્ષર એટલે અંધકાર અને “રૂ” અક્ષર એટલે તેજ-પ્રકાશ. જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય એ જ ગુરૂ કહેવાય. અથવા તો ગણિત અને જીવનની ભાષામાં કહીએ તો જે લઘુ નથી તે ગુરૂ. અને જે લઘુને પણ ગુરુ બનાવે.ગુરૂ અને શિષ્યના સંબંધને કોઈ ધાર્મિક, આર્થિક કે પ્રાંત નાં બંધનો નડતાં નથી. વળી ગુરૂ એટલે માત્ર એ જ નહી કે જે તમને શિક્ષણ આપે, પણ કોઈપણ ક્ષેત્ર હોય કલા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રના કોચ હોય કે જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કોઈ તમને યોગ્ય રાહ ચીંધે ને તે પણ ગુરૂ જ કહેવાય. અને એટલે તો ભગવાન દત્તાત્રેયે ચોવીસ ગુરૂ બનાવ્યા હતા. તો વળી માનવ પોતાના અનુભવથી પણ ઘણું શીખે છે અને એટલે જ અનુભવને આપણો શિક્ષક કહ્યો છે અને એટલે જ આપણા પ્રાચીન કવિ અખા કહે છે “તું જ તારો ગુરુ થા."
આજનો દિવસ એટલે “ના મને નહી આવડે કે નહી કરી શકું” થી લઈને “હા હું કરી શકીશ” સુધીનો આપણામાં આત્મવિશ્વાસ જગાડનાર, આપણને પ્રેરણા આપનાર એ તમામ ગુરુઓનો આભાર માનવાનો દિવસ. આજે એક પંક્તિ યાદ આવે છે,
હારી ચૂક્યો હતો હું, છેટું હતું બસ એક વેંત મોત,
શું થાત મારું ? હે ગુરું, જો તું ન હોત..!!!
અંતે ચાલો આજના દિને માણીએ આ સુંદર રચના. અને આપ સૌમાં રહેલા ગુરૂને અમારા શત શત વંદન…
વ્હાલા ગુરૂદેવને સદા પાય લાગું,હરી-ગુરૂ-સંત ચરણ સેવા માંગુ
યુગો પુરાણી, ગુરૂદેવ પ્રીતુ છે અમારી, જનમો જનમ માંગુ, ભક્તિ તમારી
સંસારીના સંબંધો સદા સુના સુના, ગુરૂજીના નાતા મારે ભવો ભવ જુના
સર્વે સુખના સાધન સહેજમાં જડીયા, પુરણ પુરુષોતમ સદગુરૂ મળીયા
આંખ માથું દુઃખે ત્યારે ગુરૂદેવ પુછતા, રડતા હ્રુદિયાના આંસુ સદા દેવ લુછતા
કરૂણા સાગર કૃપા બહુ કીધી, તમારા ચરણામૃતની પ્યાલી મેં પીધી
કામધેનું કલ્પવૃક્ષ ચિંતામણી જેવો, ગુરૂમંત્ર અદભુત આપ્યો છે એવો
આરે ઉપકારનો બદલો કેમ વાળુ, કૃપા કરી જીવન મારું કર્યું ઉજીયાળુ
શરીર નિરોગી રહે મન સદા સાફ, આશિષ આપો ગુરૂદેવ ગુના કરજો માફ
તનથી સેવાયું કરીએ મનથી થાય જાપ, કોટી કષ્ટ કાપો હરો મારા પાપ
વૈભવ વિલાસો મારે નવ જોઈએ, તમારી ભક્તિમાં સદા મન મોહીએ
ગુરૂ બ્રહ્મા વિષ્ણું સદા શિવ રૂપ, બ્રહ્મચારી દિસો છો કૃષ્ણ સ્વરૂપ
આજ્ઞા કરો ગુરૂદેવ કહો તે હું ત્યાગુ, નિષ્કામ ભક્તિ તમ ચરણોની માંગુ
રૂદિયામાં ધરજો ગુરૂદેવ અરજી આ મારી,“વ્હાલા બાપુ” ને લેજો ભવથી ઉગારી
No comments:
Post a Comment