February 21, 2017

વિશ્વ માતૃભાષા દિન ૨૦૧૭..... ભાષા મારી ગુજરાતી છે.....

જય શ્રીકૃષ્ણ મિત્રો / વડીલો,
        આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને એનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે... એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.  
        વળી આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો પણ એની સમૃદ્ધિની વાત જ ન્યારી છે, કેટ કેટલો શબ્દભંડૉળ છે એમાં, અને નીતનવાં શબ્દોથી એ સભર છે. અને આપણે ગુજરાતીઓ તો દેશના ખૂણેખૂણે ફેલાયેલા છીએ. અને તે સાથે આપણી ગુજરાતીને પણ ફેલાવીએ છીએ. કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આટલું બધું ફરવા અને વસવાને કારણે ગુજરાતીમાં પણ નવા નવા શબ્દો બીજી ભાષાઓના સંપર્કમાં આવતા ઉમેરાય છે, અને માટે જ આપણા શબ્દકોષ ભગવદગોમંડલ ને આપણે વધુ સદ્ધર કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણી ભાવી પેઢી માટે વધુ સારી ભાષાનો વારસો છોડી શકીએ.
        અને એક વાત મારા અનુભવે કહુ તો ભલે હું એક મેડીકલ અભ્યાસક્રમમાં છું અને જે પૂર્ણ પણે અંગ્રેજીમાં છે તેમ છતાં જ્યારે તેને સરળ રીતે અને એક ગુજરાતી લહેકા સાથે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવું છું ત્યારે તેની મજા કંઈક અનેરી જ હોય છે. જે કદાચ બીજી ભાષામાં એ અસરકારકતા આવી જ ના શકે. અને આ વાત મારા એ વિદ્યાર્થી મિત્રોએ જ મને કરી છે.
        તો આજના આ અવસરે ચાલો માણીએ આ રચના જે આપણી ગુજરાતી ભાષાના ગૌરવને વર્ણવે છે. તથા આ ગીતને વિડીયો સ્વરૂપે સાંભળવા માટે નીચે જુઓ.  અને આપ પણ આપના અમૂલ્ય  પ્રતિભાવો આપશો ને...      
images
માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે.
એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે.
ભાષા મારી ગુજરાતી છે...

આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,
ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે.
ભાષા મારી ગુજરાતી છે...

હાં મીઠા બોલા ગુજરાતી અમે, થોડામાં કહી દઈએ ઘણું,
ભૂલચૂક છે લેવી દેવી, ભૂલું ત્યાંથી ફરી ગણું,
અરે આવે કોઈ તો આવો કહીએ,  આવો, આવો આવો...
આવજો જ્યારે થાય વિદાય,

નામની પાછળ ભાઈ ને બહેન, માન દઈને બોલાવાય...
સંબોધનમાં સ્નેહ છલકતો, હેતભર્યું હરખાતી એ,
આપણા ગાંધીબાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.
ભાષા મારી ગુજરાતી છે...

અ લે લે કાં ફાય્ટા નંઈ કાંય ? મગ ભર્યા છે મુંઢામાંય ?
મું પુસું અલ્યા ચ્યોંના દિયોર ? ચ્યોંથી આયા ને ચ્યોં હેંડ્યાં ?
ના હમજો ટો હુરટીમાં કેહું... હહરીના ટમે છો કંઈના ?
અચો અચો અપા કચ્છી માડુ... મીઠા માડુ...

રંગ ગજબ છે બોલીના,
બાર ગાઉએ બોલી બદલે..રૂપ અનોખા ધરતી એ,
કોને પડે એના કાળજા માથે, કામણ રૂડા કરતી એ,
હરખઘેલા ગુજરાતીના, હૈયામાં હરખાતી એ,

મીઠડા માડુ મીઠડી ભાષા, મધમીઠુ મલકાતી એ,
અષાઢી ધન ગરજે કદી.. હાં ... ઝીણું ઝીણું ઝરમરતી એ,
ગરવા આ ગુજરાતની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.
ભાષા મારી ગુજરાતી છે....
ભાષા મારી ગુજરાતી છે....

No comments: