જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો
કેમ છો ? આજ તો સૌ કોઈ માટે ખાસ છે કારણકે આજે છે ૧૪મી ફેબ્રુઆરી, એટલેકે વેલેન્ટાઈન દિવસ એટલેકે પ્રેમદિન. અને મારા અને મન બંને માટે લગ્ન બાદ આ પહેલો પ્રેમ દિવસ છે વળી મારા દીદીનો પણ આજે જન્મદિવસ છે અને આવા સારા દિવસે એટલેકે ૧૪મી ફેબ્રુઆરી,૨૦૦૮ ના રોજ આ બ્લોગ મનનો વિશ્વાસનો પણ જન્મ થયેલો જેને ૪ વર્ષ પૂર્ણ થઈ હવે ૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. આટલો સુંદર અવસર હોવાને કારણે મારી એપ્રિલમાં પરીક્ષા હોવા છતા પણ આપની સાથે આ પળો વ્યક્ત કરતાં રોકી ન શક્યો.તો આપ સૌ મિત્રો/વડીલોના જીવન હંમેશા તેમના પોતાનાઓનાં પ્રેમથી સભર રહે તથા દીદી ને પણ તેમના જન્મદિવસની મારા અને મન તરફથી ખુબ ખુબ શુભકામના .... અને આશા રાખું છું કે આપ સર્વે આગળ પણ મારો અને મનનો આ બ્લોગ પર સંપર્ક જાળવી રાખશો અને આ બ્લોગથી આપણે એકબીજાન સંપર્કમાં રહીએ અને આપણો પ્રેમ અને સંબંધ પણ જળવાઈ રહે એવી પ્રભુને દિલથી પ્રાર્થના..આજે આ પ્રસંગે સંદેશ સમાચારપત્રમાં વાંચેલ શ્રી કેરોલીન ક્રિશ્ચિયનની આ પ્રેમ પરની રચના રજું કરું છું જે સાચા અર્થમાં પ્રેમની અભિવ્યક્તી રજુ કરી જાય છે તો આ પ્રસંગે આપના અમૂલ્ય બે બોલની જરૂરથી આશા રહેશે......
પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,
ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ...!
આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,
પણ ભરતોફાને હાથ આપે તે પ્રેમ...!
લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?
જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ...!
વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,
જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ...!
આંખોને જળ તો ઘણાં આપી જાય,
જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ...!
જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,
પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ...!
સપનાને સંજોગતા તો રાત વીતી જાય,
પણ સપનાંના સાકારની સવાર આપે તે પ્રેમ...!
એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ તારે,
જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે પ્રેમ...!
એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,
પણ જે શબ્દોમાં પણ ના સમાય તે પ્રેમ...!
પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના જીવવું હવે કેમ ?
કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને મુજમાં વસે છે પ્રેમ...!

No comments:
Post a Comment