જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.ગત વર્ષે આપને વાયદો કરેલ કે અવિનાશ વ્યાસનું ગીત અમે અમદાવાદી સંભળાવીશ તો આજે બસ એ જ ગીત લઈને આવ્યો છું, અને આ ગીત સાંભળીને સૌ અમદાવાદી ગર્વથી કહેશે અમે અમદાવાદી... અમદાવાદ વિશે તો કહીએ એટલું ઓછું અને ગુજરાત જ નહી સમગ્ર વિશ્વમાં પણ અમદાવાદનું સ્થાન અનેરું છે.અને આજે આ માટૅ સાબરમતીના રિવરફ્રન્ટ પર ભવ્ય પ્રોગ્રામ આયોજવામાં આવેલ છે અને વળી એક દોડનું પણ આયોજન કરવામાં આવેલ છે.તો ચાલો વધું સમય ન લેતા માણીએ અમદાવાદની ભવ્યતા..આ રચનાને સુર સાથે માણવ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.અને ગત વર્ષે રજૂ કરેલ રચના હું અમદાવાદનો રિક્ષાવાળો... જરૂરથી માણશો.
અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડીવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

No comments:
Post a Comment