જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિન એટલે કે આપણો ગણતંત્ર દિન.ઈ.સ. ૧૯૫૦ના આજના દિને જ આપણું બંધારણ અમલમાં આવ્યું અને આજે જે લોકસભા, રાજ્યસભા, સંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયો હતો માટે જ તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે આ પ્રજાસત્તાક દિન પર માણીએ ઉમાશંકર જોશીની આ સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ... અને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથી વાંચજો...
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..
અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું….
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું….
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી


No comments:
Post a Comment