જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૪મી જાન્યુઆરી.આજે તો છે ઉત્તરાયણ.સૂરજદાદાનું ઉત્તર તરફ ગમન કહું કે મકરસંક્રાંતિ.પણ ખાસ ગુજરાતમાં કહું તો આજનો દિન એટલે પતંગ ચગાવવાનો દિવસ. અને બસ આ પતંગની માફક જ પોતાનો આનંદ આકાશમાં વહેવડાવવાનો દિવસ. અને પતંગના પેચ લડતા લડતા ક્યારે નયનોના પેચ લડી જાય તે પણ કહેવાય નહ ખરું ને...!!! અને વળી આ વખતે તો આવતીકાલે ૧૫મી જાન્યુઆરીએ તો સૂર્ય અને ચંદ્રમાંના પણ પેચ લડવાના છે એટલે કે સદીનું કંકણાવર્તી સૂર્યગ્રહણ થવાનું છે. તો વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે યોગ્ય સાધનની મદદથી આ લાહવો પણ ચૂકતા નહીં અને તે સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળજો.તો ચાલો પતંગ ચગાવવા લાગી જઈએ...આજે પણ ગત વર્ષની જેમ જ રમેશભાઈની રચના લઈને આવ્યો છું.વળી ગત વર્ષની કંકોતરી વાંચવાની પણ ચૂકતા નહી.બસ આપ સૌના પતંગના આગમનની રાહમાં એટલે કે આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ ચાલો માણીએ આ રચના...
મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન
હું ને પતંગ
પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે
નખરાળો પવન તને સતાવે ભલે
મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે દેવા સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે મઢી પતંગથી છાયો કલશોર


No comments:
Post a Comment