જય શ્રીકૃષ્ણ મિત્રો,
નવા વર્ષની પોસ્ટ રમેશભાઈની રચના તો શિડ્યુલ કરી રાખેલ હતી પણ કેટલીક તકનીકી ખરાબીના કારણે રજૂ ન થઈ શકી અને આજ આ નવા વર્ષ ૨૦૧૦ની શરૂઆત એક દુખદ સમાચાર સાથે કરવી પડે છે.ગઈ કાલે મુંબઈમાં "જ્ઞાનપીઠ" એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર કેશવલાલ શાહનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે.એમના વિશે કહુ તો ૨૧મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કપડવંજ ખાતે જન્મેલા રાજેન્દ્ર શાહે ઘણા પુરસ્કાર મેળવેલ છે વળી ખુબ જ લોકપ્રિય થયેલ અને ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયેલ ગરબો "ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર..." પણ તેમની રચના છે.વ્રજ્ગીતો, રાજસ્થાની અને બંગાળી લયનો પણ પ્રયોગ કરનાર, લય અને ઊર્મિશીલ કવિના જવાથી ગુજરાતી સાહિત્યને ઘણી ખોટ પડશે, તો આજે તેમની જ એક રચના આજે રજું કરું છું કે જે આપણને જાણે કહેતા હોય કે "ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ...
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

No comments:
Post a Comment