જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૩૧મી ઓક્ટૉબર.આજે છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની જન્મજયંતિ અને શ્રીમતી ઈન્દીરા ગાંધી, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને સશક્ત મહિલાની પુણ્યતિથિ.હવે આ બંને વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે.એટલે તેમની વિશે વધું કહી તમને કંટાળો નહી આવા દઉં.
પણ હા આ અઠવાડિયામાં વીતેલા કેટલાક દિવસોની યાદો તાજી કરી લઈએ જે વ્યસ્ત હોવાને કારણે ઉજવણી રહી ગઈ હતી.ગત રવિવારે હતો શ્રી જલારામ બાપાનો જન્મદિન અને વળી ૧૮મી ઓક્ટૉબરે હતો વિશ્વ રજોનિવૃતિ દિન અને ૨૬મી ઓક્ટોબરે હતો વિશ્વ સ્તન કેન્સર જનજાગૃતિ દિન. આજના આવા સુંદર પ્રસંગના સમન્વયે આજે વિનોદ જોષીની આ રચના માણવાનું આપને પણ ગમશે. કારણકે ભારતને આવા સપુતો આપનારમાં ગુજરાતની ભૂમિ મોખરે છે અને તે વાતે જ નહી અહી કવિ કહે છે તેમ ગુજરાતી હોવાની વાતે પણ આપણી છાતી ગજ ગજ ફુલે છે.તો ચાલો માણિએ આ રચના...અને આપનો મંતવ્ય પણ જરૂરથી પ્રતિભાવ રૂપે જણાવશો ને...!!!
અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
વળી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ પરની ચિત્રવાર્તા પણ નીચે છે તે પણ જરૂરથી વાંચશો.



No comments:
Post a Comment