September 27, 2009

રંગ ભરી રમશું રાસ….. રમેશ પટેલ ‘આકાશદીપ ‘

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.લ્યો આવી ગયો છું એક રાસ લઈને આપને આપેલા વચન પ્રમાણે તો આજે હવે વધું કાંઈ જ ન કહેતા લઈ લો દાંડિયા હાથમાં અને કરી દો તમારા સાથી ને તૈયાર અને શરૂ કરીએ રાસની રમઝટ....









રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ


રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી,મીઠડી કરશું વાત(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ(૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

No comments: