જય શ્રીકૃષ્ણ મિત્રો,
કેમ છો? આજે છે ભાદરવા સુદ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણની પ્રિયતમા રાધાજીનો જન્મદિન.રાધાષ્ટમી.વળી આજના દિનને ધરો આઠમ તરીકે પણ ઉજવવામાં આવે છે.તો હંમેશાની જેમ આ વખતે પણ રાધાજીને ભૂલી ગયાને!!! પણ જ્યાં સુધી હિતેશ છે ત્યાં સુધી તમને ભુલવા નહી દે.. તો ગત વર્ષે આપણે રાધાની ફરિયાદ સાંભળી હતી કે હે કાના તે તારી રાધાને કેમ વિસારી છે? તો આજે એક વર્ષ બાદ આપના કૃષ્ણ કુંવર આવ્યા છે રાધાજીને મનાવવા અને તેના દુઃખનું કારણ જાણવા અને તેમની રાધારાણીને મનાવવા, તો ચાલો આપણે પણ આ પ્રસંગના સહભાગી થઈ તેમની પ્રેમલીલાને માણીએ આ સુંદર ગીત સાથે...

તું રાધા કેમ રીસાણી છે?
તારી આંખો કેમ ભીંજાણી?
તું મનમાં કેમ મુંઝાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
કહે કડવા વેણ કહ્યાં તુજને,
તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
વ્રજ નારી ઘણી છે મતવાલી,
તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
તને બંસી ગમે તો બંસી દઉં,
જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
તારા આસુંડા હું લૂંછી નાખું,
તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
રાધાને રીઝાવી ગાવિંદનાથે,
વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

No comments:
Post a Comment