August 14, 2009

જન્માષ્ટમી...હીંડોળા.....રમેશ પટેલ ‘આકાશદીપ’


જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે શ્રાવણ વદ આઠમ એટલકે જન્માષ્ટમી.આપણા લડ્ડુગોપાલ કૃષ્ણનો જન્મદિવસ.આજે આ પોસ્ટ બહુ મોડી રજુ કરું છું કારણકે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના ફેલાવાના કારણ સીવીલ હોસ્પિટલના તમામ ડોક્ટરોની રજાઓ રદ કરવામાં આવેલ છે જેથી અમે ત્યાં ફરજ પર હાજર હોવાને કારણે આ પોસ્ટ મોડી મુકું છું પણ કદાચ એ યોગ્ય સમયે જ મુકાઈ રહી છે કારણકે હવે પંદરેક મિનિટમાં જ આપણા બાળકૃષ્ણનો જન્મ થવાનો છે,અને મારી મિત્ર મન દ્વારકામાં જ અત્યારે હાજર છે અને તેમના દ્વારા હું પણ ત્યાં હોવાની અનુભૂતિ કરી રહ્યો છું.અને હા મિત્રો આપ સૌ પણ આ પ્રસંગમાં હાજર રહી શકો એ માટે આપણા રમેશ પટેલ'આકાશદીપ' ની આ રચના રજું કરું છું.તો ચાલો આ માણતા માણતા આપણા નાના લડ્ડુગોપાલના હિંડોળાને હિંચોળી લઈએ.અને આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોને...!!! ગત વર્ષે રજુ કરેલ કાનનો જનમ…… લોકગીત , મને લાગે છે વ્હાલો,….. શ્રી યોગેશ્વરજી પણ જરૂરથી માણજો.






નયન રમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ


આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
ચાંદી હીંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ



નોમ અષાઢી વદે હરખે ગિરીરાજ
ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
ગિરી કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ



શ્રાવણ સુદ નોંમે ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ



શ્રાવણ ભાદોના હીંડોળા મનભાવન
પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
ટહૂંકે કોયલ ને વેર મોરલો કામણ
ચમકે વીજ ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ



આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

No comments: