August 2, 2009

મિત્ર-દિન...કૃષ્ણ સુદામાની જોડી.....કાંતિ અશોક

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર.આજે છે મિત્ર-દિન.મિત્ર, દોસ્ત, ભાઈબંધ, ભેરું, સખી, સહેલી વગેરે નામોથી આપણે જેમને નવાજીએ છીએ તે કે જે આપણા જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે તેમને આજે આપણી આ લાગણીઓનો અહેસાસ કરાવવાનો દિવસ.આ જગમાં કદાચ મિત્ર જ એક એવો સંબંધ છે કે જે માનવ જાતે બનાવે છે.જે કદાચ કોઈને પણ ન કહી શકાય તે વાતો પણ ખુબ જ સરળતાથી આપણે તેની સામે વ્યક્ત કરીએ છીએ.બસ આપણે સૌ જાણીએ જ છીએ મિત્રની અગત્યતા એટલે વધુ પડતું ભાષણ નહી આપું, પણ આપણા પુરાણોમાં જોઈએ તો આવી અજોડ મૈત્રી માટે કૃષ્ણ સુદામાની જોડીનું નામ જરૂર યાદ આવે જ, તો પ્રેમાનંદના પુસ્તક સુદામા ચરિત્રમાંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું આ ગીત ખરેખર એ જોશ અપાવી જાય છે કે સાચી મિત્રતાને ક્યારેય તોડી શકાતી નથી.તો વધું ન કહેતા માણો આ ગીતને, અને આપનો અમુલ્ય અભિપ્રાય આપશો ને... આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેશો.


અને હા ગત ૨૯મી જુલાઈએ આપણા ગુજરાતી સંગીતકાર ક્ષેમુભાઈ દીવેટીયાનું નિધન થયું હતું કે જેમને હાલમાં જ અવિનાશ વ્યાસ એવોર્ડ પણ એનાયત થયો હતો.વળી ૩૦મી જુલાઈએ એવા જ એક ગીતકાર મોહમ્મદ રફીની પણ પુણ્યતિથિ હતી.તો એ બંને ને ભાવભીની શ્રદ્ધાંજલી.માફ કરશો કે જેતે દિવસે તેમને લગતી પોસ્ટ રજુ નથી કરી શક્યો કારણકે અત્યારે રહેવા,ખાવાની સગવડ તથા કામના ભારણ અને વેતન વધારાની માંગને લઈને અમે ગુજરાતના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરેલ છે,જેની વિગત આપ બ્લોગ http://gardgujarat.blogspot.com પર જોઈ શકશો જેના લીધે સમય મળી શકતો નથી તો તે બદલ દરગુજર કરશો.




સ્વર અને સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય





નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી



દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે



હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ



આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી



સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે



હેવ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય



માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી



નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી…..રાજીવ ગોહિલ પણ જરૂરથી માણજો.

No comments: