July 28, 2009

સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…ઘર મને એવું ગમે…..બી.કે.રાઠોડ “બાબુ”


જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,


કેમ છો દોસ્તો ? આજે બહું ખાસ દિન છે આજે છે મનના વિશ્વાસની સુરમય આવૃતિ સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ.આજના દિને જ એક વર્ષ પહેલા શોધતા શોધતા મળેલ HYPERWEBENABLE.COM પરથી આ સરનામું મળેલું અને અનાયાસે થયેલ શરૂઆતને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું અને પા પા પગલી માંડતી એક વર્ષની થઈ ગઈ આ સુલભગુર્જરી.અને આ બધા માટે આપ સર્વ મિત્રોનો સાથ અને સહકાર પણ ખુબ જ મહત્વનો છે જે થકી આ સ્તરે આ બ્લોગ પહોંચી શક્યો છે.અને આગળ પણ સુલભગુર્જરી નવી નવી માહિતી સુર સંગીત સાથે આપણને પુરી પાડતી રહેશે જ.બસ શરૂ કરી ત્યારે પહેલી રચના હતી આવકારો મીઠો આપજે, અને આજે તેને સમાંતર આવી જ એક બી.કે.રાઠોડ "બાબુ"ની રચના જે ઉત્તમભાઈના સન્ડે ઈ મહેફીલમાંથી મળેલ તે અહીં રજું કરું છું આ માટે તેમનો આભાર.તો વધું ન કહેતા આપનો આભાર અને માણો આ રચના અને આપને આ સફર કેવી લાગી તે આપના અભિપ્રાય દ્વારા અવશ્ય જણાવશો...





આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,


બારણાં બોલેઃ 'પધારો', ઘર મને એવું ગમે.



હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,


હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.



કાયમી જ્યાં છમ્મલીલા લાગણીનાં ઝાડ હો,


કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.



નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,


હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.



જે ઘરે લાગે અજાણ્યાનેય પણ પોતાપણું,


લોક ચાહે ઉતારો, ઘર મને એવું ગમે.



થાકનો ભારો ઉતારે, કોઈ આવી ડેલીએ,


સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.



મંદિરો જેવું પરમ સુખ, સાંપડે જ્યાં જીવને,


જ્યાં રહે ચડતો સિતારો, ઘર મને એવું ગમે.

No comments: