જય શ્રીકૃષ્ણ મિત્રો,
હવે તો વર્ષાઋતુની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ બધે જ મેઘરાજાએ તેમની મહેર વરસાવી રહ્યા છે ત્યારે વરસાદી ગીતોનો આનંદ આપ સર્વે વિવિધ મિત્રો/વડીલોના બ્લોગ પર પણ માણી જ રહ્યા હશો. પણ આજે એક ગુજરાતી પાઠ્યક્રમમાં આવતી એક કવિતાની વાત કરવી છે.અને આ કવિતા આપણને ઘણું બધું શિખવાડી જાય છે.અને સાચે જ આ તો હવે સિંચાઈની પદ્ધતિ અમલમાં આવી નહી તો ખેડૂતો માટે તો વરસાદની ઋતુ સૌથી સુંદર ઋતુ ગણાય જેના આધારે તો ખેતી નભતી.અને આજે પણ આ મોસમ મહેનતની જ છે અને માનવી ગમે તેટલો આધુનિક કેમ ન બને તેને કુદરતના ખોળે તો આવવું જ પડે ને.તો આજે માણિએ નાથાલાલ દવે ની આ સુંદર રચના..આને આપનો આ મોસમ વિશેનો પ્રતિભાવ આપશો ને...

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે …. ભાઇ! મોસમ..
લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે …. ભાઇ! મોસમ..
જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે …. ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે …. ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે …. ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે …. ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે …. ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે …. ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે …. ભાઇ! મોસમ...

No comments:
Post a Comment