July 5, 2009

ગૌરીવ્રત...ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં.....રમેશ પારેખ

જય શ્રીકૃષ્ણ મિત્રો,



કેમ છો? માફ કરશો કે હમણા થોડા દિવસોથી કોઈ પોસ્ટ નહોતી કારણકે હું અને મન બંને વ્યસ્ત હોવાથી બહુ ઓછો સમય મળે છે.હા તો આજે છે ૫મી જુલાઈ.આજના દિનને ખાસ તો અમદાવાદમાં આજે NO CAR DAY તરીકે ઉજવવામાં આવનાર છે.અને અમદાવાદના સી.જી.રોડ પર આજે વાહનવ્યવહાર બંધ કરી આ રસ્તો માત્ર ચાલવા તથા વિવિધ સ્પર્ધા જેવી કે સ્કેટિંગ, સાઈકલીંગ વગેરે માટે સવારે અને સાંજે કાર્યક્રમ રાખવામાં આવેલા છે.તો આ માટે વધું માહિતી માટે નીચેના ફોટા પર ક્લીક કરી પુરા માપનો ફોટો જુઓ.



વળી હમણા કુંવારિકાઓ ના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ ગઈ છે. પોતાના મનગમતા ભરથાર મેળવવા માટે આજે પણ આ વ્રત કુમારિકાઓ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરે છે.અને મોળું ખાઈને અલુણાં કરવાની રીત આજે પણ નિભાવે છે અને સાથે સાથે હવે તો આ તહેવાર એક ઉજવણી થઈ ગયો છ અને ખાસ તો નાની બાળાઓને નવું નવું અને સારું સારું ડ્રાયફ્રુટ અને વિવિધ મેવા ખાવા મળવાની સાથે નવા કપડાં પહેરવા મળતા હોવાથી તેઓ ઘણાં હોશથી કરે છે.અને હા આજે તો જો કે તૈયાર જ્વારા લેવાય છે પણ મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી બંને બેનની સાથે જાણે અજાણે અને કદાચ સારું મળવાની ઘેલછાએ મેં પણ આ વ્રત કરેલ અને જાગરણ પણ કરતો.ત્યારે ગૌરીવ્રતના ચારેક દિવસ પહેલાથી જ અમે કોડિયામાં વિવિધ ધાન વાવી દરેક પોતાના જ્વારા ઘરે જ ઉગાડતા અને તેની કાળજી રાખતા અને એક સ્પર્ધા પણ થતી કે કોના જ્વારા વધું લાંબા છે.આમ કદાચ ભાગ્યે જ કોઈ એવું વ્રત હશે કે જેમાં આપણે આપણી પ્રકૃતિને ન સામેલ કરી હોય ને તેની પૂજા ન કરી હોય.તો પછી આપણે આપણા મિત્રો એવા વૃક્ષો અને પ્રકૃતિની કાળજી રાખવાનું હવે કેમ ચુકી જઈએ...? અને આજે ચાલો આજે માણીએ રમેશભાઈ પારેખનું આ ગૌરી ગીત.અને હા આ ગીત કાશીનો દીકરો ફિલ્મમાં છે અને ક્ષેમુભાઈ દિવેટીયા કે જેમને આ માટે શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળ્યો હતો અને હાલમાં જ ૧૭મી ફેબ્રુઆરીના રોજ અવિનાશ વ્યાસએવોર્ડ પણ એનાયત થયો છે.તો આ ગીતને સુર સાથે માણવા માટે સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેશો.અને આપના અમુલ્ય મંતવ્ય જરૂરથી જણાવશો.







ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

No comments: