જય શ્રીકૃષ્ણ મિત્રો,
કેમ છો ? ઘણા સમય બાદ અહીં આવ્યો છું મારાથી નારાજ તો નથી ને. અને હા આપ સર્વે એ મારી મિત્ર "મન"ને જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આભાર અને આશા છે કે "મન" એ મારી ખોટ નહી સાલવા દીધી હોય અને આપને તેમનું સંકલન પણ ગમ્યું હશે. અને આપ સર્વે મિત્રોના અભિનંદન બદલ આપ સર્વેનો દિલથી ખુબ ખુબ આભાર. અને "મન" તમારો પણ મારા જન્મદિન પર મને આટલી સુંદર સરપ્રાઈઝ આપવા બદલ.આપ સર્વેના પ્રેમથી હું ગદગદિત થઈ ગયો.અને હા હવે પી.જી. શરૂ થઈ ગયું છે તો હવે સમય મળે તેમ હું કે “મન” મનનો વિશ્વાસ પર પોસ્ટ રજુ કરતા રહીશું અને વિવિધ દિવસોની ઉજવણી સાથે સાથે નવી માહિતી અને વિચારોથી હવે મળતા રહેશું.
હા તો આજે છે અષાઢ સુદ બીજ. એટલે કે ૧૩૨મી રથયાત્રાનો દિન.અને ગુજરાતી તિથિ પ્રમાણે મારો જન્મદિવસ પણ આજે જ થાય.એટલે મારા માટે બેવડી ખુશી.જો કે ગયા વર્ષે તો રથયાત્રામાં ગયો હતો પણ આ વર્ષે તો પી.જી.ના લીધે જવાઈ નથી શકાયું પણ હા કહે છે ને પ્રભુ તો દિલમાં વસે. અને હા આ રથયાત્રાના ઈતિહાસ જાણવા માટે દિવ્યભાસ્કરના આ પન્નાની મુલાકાત લેજો.અને આજની ૧૩૨મી રથયાત્રાના વિવિધ ફોટોગ્રાફ જોવા માટે અહીં ક્લીક કરો. બસ તો આજે જ્યારે આપણા લડ્ડુગોપાલ આપણા કૃષ્ણ-કન્હૈયા જ્યારે બહેન સુભદ્રા અને બલરામ સાથે આપણને મલવા આવી રહ્યા છે ત્યારે આ ગીત યાદ આવ્યું તો વિચાર્યું કે તમારી સાથે વ્યક્ત કરું.અને હા આ ગીતનો ઓડિયો જો આપની પાસે હોય તો જરૂરથી આપશો તો સત્વરે તે સુલભગુર્જરીમાં સુર સાથે રજુ થાય તેવી કોશિશ કરીશ.અને આપ અહી ફરી ફરી આવતા રહેશો અને આપના અમુલ્ય અભિપ્રાયો આપતા રહેશો.ફરી એક વખત આપના મહામૂલા પ્રેમ બદલ આભાર. ‘જય રણછોડ, માખણ ચોર’

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો જમાડુ જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
આભાર દિવ્યભાસ્કર.

No comments:
Post a Comment