જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૬મી મે.આજે છે મારા મમ્મી-પપ્પાના ૩૦મી લગ્નતિથિ.બરાબર ૩૦ વર્ષ પહેલા ૨૬-૦૫-૧૯૭૯ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલા.અને બસ જૂની યાદોને ફંફોસતા તેમની આ લગ્ન સમયની જૂની તસ્વીર મળી ગઈ અને થયું કે આ તસ્વીર જ આજે યોગ્ય રહેશે. તો મમ્મી-પપ્પાને લગ્નતિથિની ખુબખુબ શુભકામનાઓ અને બસ તેમનું જીવન હંમેશા ખુશનુમા રહે અને હું તેમની દરેક આશાઓ પુરી કરી શકું એવી ભગવાનને અભ્યર્થના.
કેટલાક સમય પહેલા ખબર નહી ક્યાંકથી એક ચિત્ર મળેલ.જેમાં નીચેની રચના હતી.મને ખૂબ જ ગમેલી આથી તે મારા સંગ્રહમાં રાખી દીધેલી.પણ સંજોગોવશાત તે ક્યાંથી મળેલ તે મને યાદ નથી અને આ રચના કોની છે તે પણ જાણ નથી પણ સંત પુનિતની રચના મા-બાપને ભૂલશો નહીં ની જેવી જ આ રચના આજે અજ્ઞાત કવિઓની યાદીમાં મૂકું છૂં પણ જો આપને જાણ હોય અથવા જો આપની રચના હોય તો મને જાણ કરશો તો આ રચનાને આપના સંદર્ભ સાથે અપડેટ જરૂર કરીશ.તો આપ આપનો અમૂલ્ય પ્રતિભાવની સાથે મને મદદ કરશો ને...અને આ રચના મમ્મી-પપ્પા ખાસ તમારા માટે તમને અર્પણ આ બ્લોગ પર...
(ઉપરોક્ત તસ્વીર મારા મમ્મી-પપ્પાના લગ્ન સમયની છે.)
હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો...
અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો...
કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો...
માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો...
હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો...
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો...
પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને 'બેટા' કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો...
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
અને ગત વર્ષે આ જ દિન પર રજુ કરેલ રચના ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ તો જરૂરથી માણજો એક વયસ્ક દંપતિનું આટલું પ્રેમ સભર દાંપત્ય જોઈ કોઈ પણ લગ્નગ્રંથિમાં બંધાવા તૈયાર થઈ જાશે.


No comments:
Post a Comment