જય શ્રીકૃષ્ણ મિત્રો,
આમ તો આજે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ છે.પણ સમય બહું જ ઓછો મળતો હોવાથી વૈશાખ પરનું ઋતુગીત મૂકી જ નહોતું શકાતું પણ આખરે આ મહિનાના આખરી દિને પણ એને વિદાય આપતાં આપતાં વૈશાખ ઋતુના વૈભવને માણી લઈએ શ્રી બંસીધર પટેલની આ રચના દ્વારા...બસ એક દૃષ્ટી જોઈએ બાકી તો બળબળતો ઉનાળો પણ આપણી પ્રિય ઋતુ જ છે હા તેનો તડકો અસહ્ય હોય છે પણ સાથે કેરીની મીઠાશ અને લગ્નોની વણઝાર પણ તો લાવે છે ને...ચાલો બહું સમય નહી લઉં પણ હા આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો ને.....
વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.
કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.
ઝટપટ કરવા લગ્નો કરે છે કોઇ ઝડપી તૈયારીઓ,
કેરી, સીતાફળ કે દ્રાક્ષનો આસ્વાદ માણી રહ્યાં સહુ જનો.
કરે છે મજા બેહદ ભૂલકાં રજાઓ પડી શાળામાંથી,
પડી છે ખાલીખમ શાળાઓ જામ્યા રજના થર ઘણેરાં.
વરતાય છે પાંખી હાજરી કચેરીઓ ભાસે સૂની સૂની,
કોઇ ગયું છે મ્હાલવા લગ્ન કોઇ લે છે લ્હાવો ફરવા નામે.
ગીરીમથકો ઉભરાય જેમ ચિડીયાઘર સંગ્રહાલયમાં,
અસહ્ય ગરમી પાછી પડે સોનેરી નિશા આહ્લાદક નશામાં.
માણે છે સહુ કોઇ વાસંતી સુવાસ સૃષ્ટિ તણી,
ક્ષુલ્લક પણ અનેરો આનંદ દીનમન હ્રુષ્ટપુષ્ટ થાય છે.


No comments:
Post a Comment