May 17, 2009

તું ઇટ્ટાકિટ્ટા છોડ.....રમેશ પારેખ


જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજની આ પોસ્ટ અત્યંત વ્યસ્તતા ને કારણે બહું મોડી મોડી રજૂ કરી રહ્યો છું, આજે છે ૧૭મી મે.આજનો દિન એટલે વિશ્વ દૂરસંચાર દિન.અને વળી આજે છે ગુજરાતી સાહિત્ય જગત અને સોનલના કાવ્યોથી પ્રસિદ્ધ થયેલા તથા પ્રેમ અને વેદના સાથે તેમના બાળગીત પણ લોકમુખે છે તેવા શ્રી રમેશ પારેખની આજે પુણ્યતિથિ છે.અને આવા કવિને તેમના જ આ કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલી અર્પીએ અને આ રચના પરથી એટલું તો કહી શકાય કે હવે પ્રેમીજનો કે સંબંધીઓ જો આપની વચ્ચે કોઈ તકરાર હોય તો હવે તેને ભૂલી જઈ કિટ્ટા છોડી ફરી બુચ્ચા એટલે કે એકબીજાને સમજી ફરી સંબંધને પુનઃ ફરી પ્રેમાળ અને રસસભર બનાવી સમગ્ર વાતાવરણને હર્ષ અને પ્રેમમય બનાવી દઈએ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલી અપાઈ ગણાય.તો ચાલો આજે દૂરસંચાર દિન છે તો તેમનો અત્યારે જ સંપર્ક કરી કિટ્ટા તોડી ફરી દોસ્તી કરી લઈએ.તો ચાલો માણીએ આ રચના...





અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું પરાયું બનાવી શકાય છે ?



એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં


હું કોઇ નક્કી નહીં હોઉં.




તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ



ક્યારેક રીંસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં આવું
છબીમાં હોઉં પણ તારી સામે હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી દઉં, હું



પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.

તારી સકળ સુંદરતા બની તને ભેટી પડ્યો છું -
તારું સકળ સોનલપણું હું છું, લે
અને તારે મારો ઇનકાર કરવો છે ?



પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?



તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું દુષ્કર છે -
તું કહે,
તને ચાહું તો હું શું કરું ?



આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર પડતી નથી.
એક વાર તું કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.



તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરેરે
તું સાવ બુદ્ધુ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ કહેવાય.



ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



ગત વર્ષે આજના દિન પર રજૂ થયેલ રચના યાદ……રમેશ પારેખ પણ જરૂરથી માણશો.

No comments: