March 28, 2009

પૃથ્વીની ચૂંટણી...ચૂંટણી જંગ..... રમેશ પટેલ(આકાશદીપ)



જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૮મી માર્ચ.આજે છે એક અનોખી ચૂંટણી અને આ માટેના મતદારો છીએ પૃથ્વી પરના આપણે સૌ લોકો.તો આ ચૂંટણીમાં મત આપવા આપ સર્વે આવશો ને.?અરે કઈ ચૂંટણી ૧૫મી લોકસભાની..! તે તો હજી એપ્રિલમાં છે અને ગુજરાતમાં તો તે ૩૦મી એપ્રિલે છે.તો આજે વળી શેની ચૂંટણી ???,આજની ચૂંટાણી કંઈક વિશિષ્ટ છે જે કોઈ દેશ માટે જ નહી પણ આપણા ગ્રહ પૃથ્વી માટે છે જે આપણા જીવનનો આધાર છે.


આજે આપણૅ વિવિધ સાધનો દ્વારા આપણા વાતાવરણમાં પ્રદૂષણનો કેટલો બધો ફેલાવો કર્યો છે કે આ વિશ્વવ્યાપી પ્રદૂષણ ને કારણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જેને આપણે Climate Change કે Green House Effect પણ કહીએ છીએ જેના લીધે આપણા બંને ધ્રુવો પર પણ બરફ પીગળી રહ્યો છે અને આ માટૅ ૨૦૦૫માં રીઓ-દી-જાનેરો ખાતે ક્યોટો-પ્રોટોકોલ ઘડવામાં આવ્યો હતો,પણ ત્યાર બાદ ૨૦૦૭માં સિડની શહેરમાં આ અર્થ અવર"EARTH HOUR" ને મનાવવામાં આવેલ અને ૨૨ લાખ(૨ Million)લોકોએ પોતાના ઘર-કાર્યાલયની વિજળી બંધ કરીને આ અભિયાનને પોતાનો ટેકો જાહેર કરેલો.અને ગત વર્ષે ૨૦૦૮માં વિવિધ દેશોના ૫ કરોડ (૫ Million)લોકોએ તેને સમર્થન આપેલું,જેમાં સાનફ્રાન્સિકોનો ગોલ્ડન ગેટ બ્રિજ,રોમનું કોલોસ્સીયમ,સિડનીનું ઓપેરા હાઉસ,કોકાકોલા બિલીબોર્ડ વગેરેએ એક કલાક સુધી અંધારાની ચાદર ઓઢી લીધી હતી.


અને આ વર્ષે, ૨૦૦૯માં આગળ વધી એક વૈશ્વિક ચૂંટણી યોજાવાની છે જેમાં ૧૦૦ કરોડથી(૧૦૦ Billion) પણ વધુ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.આ ચૂંટણીની તવારીખ આ પ્રમાણે છે.



ઉમેદવારના નામ ૧. પૃથ્વી


૨. ગ્લોબલ વોર્મિંગ.



તારીખ અને સમય : ૨૮મી માર્ચ, ૨૦૦૯ શનિવારે રાત્રે ૮:૩૦ થી ૯:૩૦



મત આપવાની રીત :- ઉપર દર્શાવેલ એક કલાક દરમિયાન વીજળી બંધ રાખવાથી પૃથ્વીને મત મળશે,


અને વીજળી બંધ કરવાથી ગ્લોબલ વોર્મિંગને મત મળશે.


મિત્રો આપને ચૂંટણીની તવારીખ અને પદ્ધતિ તો મળી ગઈ ને હવે આપણૅ નક્કી કરવાનું છે કે આપણૅ કોને જીતાડવો.અને આપણી ભાવિ પેઢીને શું આપવું છે એક સ્વસ્થ અને સુંદર ધરતી કે પછી પ્રદૂષિત વાતાવરણ જ્યાં શ્વાસ લેવો પણ અસહ્ય હશે.અને હા મિત્રો આ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોપેનહેગન ખાતે મળનારી બેઠકમાં ક્યોટો પ્રોટૉકોલને બદલે ગ્લોબલ વોર્મિંગની સામે કેવા અને ક્યા અસરકારક પગલા લેવા જોઈએ એ વિશે સરકારી નીતિની કાયદેસર રૂપરેખા તૈયાર કરવામાં આવવાની છે.


અને હા આ માટૅ આપ વર્લ્ડ વાઈડ ફંડ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં જોડાવાની સાથે તેની સાઈટની મુલાકાત લઈ ત્યાં રજીસ્ટર કરાવી શકો છો તથા આ માટે આપે કરેલ પ્રવૃતિનો ફોટોગ્રાફ કે વિડીયો પણ મોકલાવી શકો છો અથવા આપના બ્લોગ પર તેની લિન્ક સાથે મુકવાથી કે આપના મિત્રવર્તુળમાં પણ જણાવી આ અભિયાનમાં સાથ આપી શકો છો.વળી ત્યાંથી આપને તેના માટે પોસ્ટર કે વિડીયો પણ મળી શકે છે. આ માટેની લિન્ક નીચે મુજબ છે.


અર્થ અવર ની વિશ્વવ્યાપી સાઈટ


૨૦૦૯ના વર્ષ માટેના અર્થ અવરની સાઈટ


અને આ વૈશ્વિક ચૂંટણી પર રમેશભાઈએ હમણાં જ ચૂંટણી પર રચેલી તેમની એક રચના મને મોકલાવેલ છે તો આજના આ પ્રસંગે મને તે યોગ્ય લાગી કારણકે આ કોઈ દેશની ચૂંટણી નથી પણ સમગ્ર વિશ્વની છે અને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરી આપણી સ્વસ્થ અને સુંદર પૃથ્વીને જીતાડવાની છે.તો આપ સર્વે સાથ આપશો ને...આપના અભિપ્રાય અને આ અભિયાનમાં આપના સાથ સહકાર અને માર્ગદર્શનની આશા...






આવી છે ચૂંટણી ને જામ્યો છે જંગ
ઉમેદવારના ઉરમાં ઉછળે ઉમંગ



રાજકારણના રસિયા સાથ માણજો રે સંગ
દોસ્ત દુશ્મનના ન પરખાશે રંગ



પક્ષા-પક્ષીના ભારે મંડાશે ખેલ
ભોળાને ભરમાવશે ચાતુરી ખેલ



વાતોની વડાઈથી સૌ કરશે બડાઇ
દિવા સ્વપ્નોમાં નીરખતા થાશો સચ્ચાઈ



મત છે કીમતી ન થાશો અજાણ
રુડા રાજકર્તાઓ જ કરશે કલ્યાણ



વાપરજો વિવેકથી મતનો અધિકાર
વિકાસની કેડીઓ પર ચમકશે ચાંદ



ભારતે ગૂંજ્યો છે નવયુગનો જંગ
ચાલો ચટપટી ચૂંટણીનો માણી એ રંગ

No comments: