March 29, 2009

એક રજકણ સૂરજ થવાને શમણે.....હરીન્દ્ર દવે


જય શ્રીકૃષ્ણ મિત્રો,


કેમ છો? હા હા આજે લાંબું લચક ભાષણ નહી આપું બસ.પણ ગઈકાલે આપે મત આપી અને આપણી પૃથ્વીને મદદ કરી હતી ને...અને આજે છે ૨૯મી માર્ચ.આપણા કવિ શ્રી હરિન્દ્ર દવેની પુણ્યતિથિ.તેમના વિશે થોડી માહિતી ગત વર્ષે આજ દિને રજું કરી હતી જેની લિન્ક નીચે આપેલ છે તથા સુરેશભાઈ જાનીના બ્લોગ પર તેમનો આપેલ વિગતવાર કવિ પરિચય પણ માણી શકો છો.તો આજે વધું ન કહેતા માણૉ હરિન્દ્ર દવેની આ રચના જે કંઈક સપનાઓ અને અરમાનો સાથે એક સુંદર અનુભૂતિ કરાવે છે અને આ ગીત મારૂ ગમતું ગીત છે.આપને આ ગીત કેવું લાગ્યું તે જણાવશો ને...



અને ટહુકો પરથી મળેલ ડો વિવેક ટેલર દ્વારા આ કાવ્યનો કરેલ રસાસ્વાદ પણ માણવા જેવો ખરો.રજકણ હરીન્દ્ર દવેએ .. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે નથી(વિવે--), બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને કાવ્યને જોવાની કોશિશ કરીએ.



કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા સપનાંથી સદૈવ વેગળી રહે છેએક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી
પણ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ હોય- છે તો ઉછીનું અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં હોય છે.


અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ માંગવી પડેસ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો જોઈએ



સિવાય પણ કોઈ અન્ય રીતે કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
-
વિવેક



rajkan





એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.



જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા



વમળ મહીં ચકરાઇ રહે કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ સૂરજ થવાને શમણે...



જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
રૂપ ગગનથી ચ્હાય;



ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ સૂરજ થવાને શમણે

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



ગત વર્ષે આજના દિને રજું થયેલ રચના પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે માણવાનું ચૂકતા નહી.

1 comment:

પ્રીત said...

હિતેશભાઇ

આપનો બ્લોગ પહેલેથી છેલ્લે સુધી જોયો. ખૂબ ગમ્યો. સરસ.