March 27, 2009

ચૈત્રી નવરાત્રીનો શુભારંભ... ગરબો, આવ્યો રે રમતો રમતો.....



જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજથી થાય છે ચૈત્ર મહિનાનો શુભારંભ.ફાગણ ને વિદાય આપી અને હવે આપણે ચૈત્રમાં પ્રવેશ્યા અને શરૂ થઈ ગઈ ચૈત્રી નવરાત્રિ.તો આજે ચાલો માણીએ ચૈત્રી નવરાત્રી પર માતાજીનો એક ગરબો. પણ પહેલા આજના દિનના માહત્મયને તો સમજી લઈએ. નીચેની મરૂન રંગમાં રહેલ માહિતી માટે દિવ્યભાસ્કરનો આભાર.



ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુકલની પ્રતિપદાના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સૃષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ દિવસે થયો.તેથી, અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારના પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પહેલો અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ દિવસનું આગવું મહત્ત્વ છે. તે દિવસે સૂર્યોદય સમયે જે વાર હોય તે વાર વર્ષનો રાજા ગણાય તેવો ઉલ્લેખ સ્કન્દ પુરાણમાં છે.


તે દિવસે પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું હોય છે. તે માટે વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના ઉપર યથાવિધિ કળશ સ્થાપના કરી ગણપતિની સાથે બ્રહ્માજીનું ષોડશોપચારથી પૂજન કરવાનું. પૂજન કરી અનેક દેવદેવતાઓને નમસ્કાર કરી.વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી વિધિયુકત પૂજન કરવાની પ્રણાલિકા હજુ કેટલાંક સ્થળોમાં પ્રચલિત છે. પૂજન પછી પંચાંગનું (આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે.) શ્રવણ કરી નિવાસસ્થાનો ઘ્વજા પતાકાથી સુશોભિત કરી ઘ્વજારોપણ કરવામાં આવે છે.


મહારાષ્ટ્રમાં ગૂડી પડવાનો ઉત્સવ વધુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે દિવસે પ્રભુ રામચંદ્રે વાલીના ત્રાસમાંથી લોકોને મુકત કર્યા તેથી તેની ખુશાલીમાં પ્રજાએ ઘરે ઘરે ગૂડી (ઘ્વજારોપણ) ઊભી કરી ઉત્સવ ઊજવ્યો. તેથી ગૂડી પડવો નામ પ્રચલિત થયું.


બીજી પણ એક કિંવદંતી પ્રચલિત છે કે શકોએ હુમલો કર્યોતે સમયમાં લોકો સાવ ચેતનહીન, પરાક્રમશૂન્ય અને હતોત્સાહિત બન્યા હતા. આવી નિર્માલ્ય પ્રજા, શકોને યુદ્ધમાં કયાંથી પરાજિત કરી શકવાની હતી? ત્યારે શાલિવાહને આવા લોકોમાં ચૈતન્ય પ્રકટાવ્યું, સૈન્યમાં પ્રાણ પૂર્યા. તેમનું પૌરુષ જાગૃત કરી શકોનો પરાભવ કર્યો. તેથી આજે પણ આપણે શાલિવાહનના તે કતૃર્ત્વને યાદ કરી શક તરીકે વર્ષની ઉજવણી કરીએ છીએ અને નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ.


વળી ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી ઋતુજન્ય ગડગૂમડ, અળાઇ તથા ચર્મરોગથી બચવા લીમડાના મોર એટલેકે લીમડાના ફુલ ને પલાળી તેના પાણીનું સવારે સેવન પથ્યકર ગણાયું છે અને દસ સુધી નિયમિત લીમડાનું સેવન, ઉનાળાના ઋતુજન્ય રોગોથી રક્ષણ કરે છે. જીવનમાં દરેકે કડવા ઘૂંટડા પણ પીવા પડશે. તે માટે લીમડાનું સેવન કરતી વખતે તેની પણ માનસિક તૈયારી રાખવી. એટલે દુ:ખી થતાં હસતાં હસતાં તે પી જવા હિતાવહ છે.


વળી આજે છે વિશ્વ રંગભૂમિ દિન.એ રંગભૂમિના કલાકારને શત શત વંદન.કારણકે એ લોકો પોતાની અભિનય કલા દ્વારા આ જગતમાં આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે છે અને સાથે સમાજને મદદરૂપ સંદેશો આપે છે.અને કહેવાય છે કે કલાકારના અભિનયની સાચી કસોટી તો રંગમંચ પર જ થાય છે કારણ અહીં ફિલ્મોની જેમ રી-ટેક નથી હોતા.પણ દુખની વાત એ છે કે આજે ગુજરાતમાં તો રંગમંચ મૃતપ્રાય જેમ જ છે ગુજરાતના રંગમંચના કલાકારો ને મુંબઈ જ જવું પડે છે, અને તેમને મહત્વ આપવાની વાત છે ત્યારે એક વાત એ પણ છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોવામાં મશગુલ આજે કેટલાં લોકો નાટક જુએ છે.કેટલા લોકો એ કલાકારોને ઓળખે છે, કદાચ ભાગ્યે જ એકાદ બે ને ઓળખતાં હશે..જ્યાં સુધી આપણે જ ઉદાસીનતા સેવશું રંગમંચ ક્યાંથી આગળ આવશે.??? અને હા આ ચર્ચાપત્રમાં ભાગ લેવો હોય તો ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિની મુલાકાત જરૂરથી લેજો.


તો ચાલો હવે માણીએ ચૈત્રી નવરાત્રી પર આ ગરબો. અને હા


અંબેમા ની આરતી જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી અને


વિશ્વંભરી સ્તુતિ…….


પણ જરૂર ગાજો.અને આપ પણ આ વિવિધ સંગમ પ્રસંગે આપનો મંતવ્ય આપશોને...



navratri




ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.



સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.



એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.



નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.



અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.

No comments: