March 25, 2009

ફાગણને વિદાય...ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય .....ઉમાશંકર જોશી


જય શ્રીકૃષ્ણ મિત્રો,



આજે છે ફાગણ વદ ચૌદશ.તમે કહેશો કે વળી હિતેશ બોરિંગ કોઈ નવો દિવસ લાવ્યો,ના બાબા ના, આટલા સુંદર વસંતઋતુના મોસમમાં આપને બહું બોર તો ન કરાય ને, અને પ્રણયની આ ઋતુમાં કુદરત પણ વૈભવી જાજરમાન શણગાર સજીને બેઠી હોય,આંબાડાળૅ હવે મોર બેસી ગયા છે અને કોયલના ટહુકાઓ ક્યારના સાદ પાડી રહ્યાં છે તો હિતેશ આ મહામુલા ફાગણને કેમ ભુલી જાય અને હવે જ્યારે આ ફાગણ જઈ રહ્યો છે અને ચૈત્ર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રી ઉમાશંકર જોશીની આ રચના યાદ આવી ગઈ અને સાથે આ ગીત સ્વર સાથે પણ મળી ગયું તો પછી આ ગીતને ન મુકીએ તો કેમ ચાલે? તો ચાલો માણીએ આ ગીતને...અને હા આપનો ફાગણ કેવો વીત્યો તે જણાવશો ને,અને મનના વિશ્વાસ પરની ફાગણની ઉજવણી કેવી લાગી તે પણ જરૂર જણાવશો.

અને હા મિત્રો આજે એક સચોટ અને વેધક લખાણ લખનારા અને અનેક નવલકથા અને સાહિત્યનું સર્જન કરનારા શ્રી ચંદ્રકાંત બક્ષીની આજે પુણ્યતિથિ છે તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.અને આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં... મમળાવવી આપને જરૂર ગમશે.






gori-no-fagan


(ભીંજાતી મેં અહીં ખડી રે લોલ. )



સંગીત :- ભાઇલાલભાઇ શાહ
સ્વર :- પ્રણવ મહેતા, બીના મહેતા
આલ્બમ:- ગોરી મોરી




ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.



ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.



ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.



ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.



આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.



આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

No comments: