March 24, 2009

વિશ્વ ક્ષય દિન…અંધશ્રદ્ધા નો ક્ષય..... ‘સૂફી’ પરમાર


જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૪મી માર્ચ.આજે છે વિશ્વ ક્ષય દિન એટલે કે અંગ્રેજીમાં કહું તો World TB{Tuberculosis} Day.અને આ વર્ષની થીમ છે "હું ક્ષયને અટકાવું છું" અંગ્રેજીમાં કહું તો "I AM STOPPING TB".આપને થતું હશે કે હિતેશ કેવા કેવા કંટાળાજનક દિવસો લઈને આવે છે,પણ મિત્રો આ રોગની ગંભીરતાની કદાચ આપને જાણ પણ નહી હોય,પણ સમગ્ર વિશ્વમાં ભારતમાં ક્ષય રોગનાં દર્દીઓનું પ્રમાણ ત્રીજા ભાગનું છે.અને ભારતમાં વર્ષે અંદાજે ૪.૧૭ લાખ લોકોનું મૃત્યું આ રોગને કારણે થાય છે અને દર મિનિટે એક વ્યક્તિ અને એક દિવસમાં આશરે ૧૦૦૦ વ્યક્તિઓ જાન ગુમાવે છે.હવે ખ્યાલ આવ્યો આ રોગની ગંભીરતાનો...અને પહેલાનાં જમાનામાં તો જે લોકોને ક્ષય એટલે કે ટીબી કહે છે તે થતો તો તે દર્દીનો જ ક્ષય એટલે કે નાશ થઈ ગયો તેવું બધા માનતા.


પણ હા મિત્રો એટલા બધા પણ ન ડરી જતાં હોં કે, હવે આ રોગની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે અને તેનો દર્દી સંપૂર્ણ સાજો થઈ શકે છે અને તેની દવા ઉપલબ્ધ છે અને તે પણ સરકારી દવાખાનાઓમાં મફત આપવામાં આવે છે.આ રોગને નાથવા માટે સરકાર દ્વારા ડોટસ DOTS{ Directly Observed Treatment of Short course} નામક ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.એનો મતલબ થાય છે કે દર્દીને તબીબ કે ડોટસ આરોગ્ય કાર્યકર્તાની નજર સામે જ આ દવાઓ ગળવાની રહે છે,અને માત્ર ૬ થી ૯ મહિનાના દવાના કોર્સથી ક્ષય રોગ મટી શકે છે.તો મિત્રો ડરો નહી પણ જાગૃત રહો.


dots-tb


અરે હા તમને એનાં લક્ષણો તો કહ્યાં જ નહી, જો મિત્રો આપને કે આપની આસપાસની કોઈ પણ વ્યક્તિને



ત્રણ અઠવાડિયા કરતા વધું ખાંસી રહેતી હોય,સાથે ઝીણૉ ઝીણો તાવ રહેતો હોય,

ટૂંકાગાળામાં વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય કે પછી

ગળફામાં લોહી પડતું હોય

તો કદાચ આ રોગ હોઈ શકે છે.તો તરત જ નજીકના સરકારી દવાખાનામાં જઈ તબીબની સલાહ લઈ ગળફાની તપાસ જરૂર કરાવો જે તદ્દન નિશુલ્ક છે અને તેનાથી આ રોગનું નિદાન થઈ શકે છે.અને સારવાર પણ જલદી શરૂ થઈ શકે છે અને તે પણ આપના ઘરની નજીકમાં આવેલ ડોટસ કેન્દ્રમાં જ. તો મિત્રો આપ સર્વે પણ આ સારા કાર્યમાં સહભાગી થશોને...અને હા આ રોગ વિશે વધું માહિતી માટે આપ નીચેની સાઈટની મુલાકાત લઈ શકો છો અને તેમાં વિશ્વ ક્ષય દિન પર એક બ્લોગ છે એમાં જો આપ આ વિશે કોઈ પ્રવૃતિ કરતા હોય તો આપ પણ રજીસ્ટર કરાવી આપની પોસ્ટ પણ મુકી શકો છો.



આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું ભારત સરકારની સાઈટ

ટીબી નિયંત્રણ અંતર્ગત સાઈટ

અને હા આજે આપણા આધ્યાત્મિક કાવ્યો નામક બ્લોગના સર્જક સૂફીપરમારની એક અજોડ આધ્યાત્મિક છતાં પણ એક તત્વચિતન કરાવતી કંઈક આપણી જ ખામી બતાવી નવો રાહ ચીંધતી આ કવિતા જેમાં અંધશ્રદ્ધા નામનો ક્ષય રોગ લાગી ગયો તેને આ રોગનો જ ક્ષય એટલે કે નાબુદ કરવાની શીખ આપી જાય છે આશા છે આપને ગમશે.અને હા આપનો મંતવ્ય તથા આપની પાસેની માહિતી પણ અહીં વ્યક્ત કરશો ને.....



world-tb-day-09




જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ થઈ શકી મારી



ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી



મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી



સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી



જગતને ક્ષય લાગ્યો અંધશ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી



થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી



ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે દુનિયાને બદલનારી



નવી વાતો તું કહેતોજા સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

……………………………………..


આભાર આધ્યાત્મિક કાવ્યો


અને આ અગાઉ રજુ થયેલી સંદીપ ભાટીયાની રચના ક્ષણમાં માણસ ધુમાડો થઈ જાય...આજથી સુર સાથે ઉપલબ્ધ છે તો તે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

No comments: