March 11, 2009

ધુળેટી...હોળીનો પૈસો આલો, નવાઈલાલ !.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ધુળેટી.કાલે આપણે ઈકોફ્રેન્ડલી રંગો બનાવવાની રીત જોઈ હતી તો તૈયાર છો ને આ રંગોથી રમવા માટે.તો ચાલો પહેલા તમારો વારો.અરે ત્યાં તો જુઓ પેલા નવાઈલાલ હજું તો સાવ કોરા કટ છે એ તો કેમ ચાલે ? બરાબર મિત્રો આ સંવાદ તો આજે ઠેર ઠેર સંભળાશે.અને કેટલાક બાળકો આ માટે હોળીનો પૈસો પણ લઈ લેશે.કંઈક આવી જ વાતની સાક્ષી પુરાવતી આ બાળરચના તો આપ માણશો આપના રંગોત્સવની સાથે સાથે. અને આમ પણ પોતાના પ્રિયજન સાથે પણ હોળી રમવાની મજા ઓર જ હોય છે જેના પ્રેમમાં એટલા ભીંજાઈ ગયા હોઈએ કે આ રંગો પણ સ્પર્શી ન શકે ખરું ને.આપનો મંતવ્ય આપશો ને આપને કેવી લાગી આ હોળીની ઉજવણી.



holiii



ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !


હોળીનો પૈસો આલો, નવાઈલાલ !



આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !


આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !



ખાવા છે સેવ ને ધાણી, નવાઈલાલ !


દાણ માંગે છે દાણી, નવાઈલાલ !



આવ્યા નિશાળીયા દોડી, નવાઈલાલ !


શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !



ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !


સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !



જૂની પોતડી પહેરી, નવાઈલાલ !


લાગો છો રસિયા લહેરી, નવાઈલાલ !



ઊંધી તે પહેરી ટોપી, નવાઈલાલ !


હસશે ગામની ગોપી, નવાઈલાલ !



ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ !


આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ !



ચાલોને ઘરમાં ફરશું, નવાઈલાલ !


નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !



કોરાં રહેવાની વાત મૂકો, નવાઈલાલ !


આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !



મૂંછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ !


કાળા કલપમાં બોળો, નવાઈલાલ !



કૂવા કાંઠે તે ના જાશો, નવાઈલાલ !


જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ !



આજે સ'પરમો દાડો, નવાઈલાલ !


લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !



ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !


હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

No comments: