March 10, 2009

રંગીલી આવી આ હોળી આવી.....“મન”

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ફાગણ સુદ પુનમ.આજે છે હોળી.તો આપ સર્વેને હોળીની શુભકામનાઓ.અને આવતીકાલે છે ધુળેટી એટલે કે રંગોનો તહેવાર રંગોત્સવ.તો ચાલો કાલ માટે થોડી તૈયારી કરી લઈએ.તે પહેલા ધ્યાનમાં રાખવાનું ન ભુલીએ કે આપણે કેમિકલયુક્ત રંગો ન વાપરીએ.કારણકે તેનાથી આપણી ત્વચાને નુકસાન થાય છે જેમકે,


કાળા રંગમાં વપરાતો લેડ ઓક્સાઈડથી મૂત્રપિંડના રોગો,


કોપર સલ્ફેટથી આંખની એલર્જી,અને અંધાપો પણ આવી શકે,


સિલ્વર બ્રોમાઈડ અને મર્ક્યુરી સલ્ફાઈટના લીધે કેન્સર પણ થઈ શકે છે.


અરે ગુલાલમાં રહેલ એસ્બેસ્ટોસ પણ નુકસાન કરે છે.


તો આપણે નક્કી કરીએ કે આ વખતે પણ હોળી આપણે ઈકોફ્રેન્ડલી રંગોથી જ રમશું.હવે તમે કહેશો કે આવા રંગો ક્યાથી લાવવા?તો ચાલો અહિં જુદા જુદા રંગો બનાવવાની રીત જ આપી દઉં તો...


કેસરિયો રંગ - આ માટે કેસુડાના ફૂલોને સુકવીને બનાવેલ પાવડર લઈ શકાય.તથા પ્રવાહી કલર બનાવવા કેસુડાનાં ફુલને પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે ઉકાળી લો.અને જો કેસર હોય તો બે ચમચી કેસરને પણ પાણીમાં પલાળી કેસરી રંગ બનાવી શકાય જે તમારી મસ્તી સાથે ત્વચાને સૌંદર્ય પણ આપશે.



પીળો રંગ - સૂકો પીળો રંગ બનાવવા ચણાના લોટમાં થોડી હળદર ભેળવી બનાવી શકાય.અને પ્રવાહી રંગ બનાવવા ચમચી હળદરને કે ગલગોટાનાં ફુલોને પાણીમાં નાખી ઉકાળવાથી બની શકે છે.


રાણી રંગ - એક બીટને છીણી પાણીમાં નાખી ઉકાળવાથી બનશે.


લીલો રંગ - સુકો લીલો રંગ બનાવવા મહેંદીના પાવડરને લોટ સાથે ભેળવી બનાવી શકાય તથા પ્રવાહી રંગ બનાવવા તમે આ મહેંદી પાવડરને પાણીમાં નાખી બનાવી શકાય.અને જો રંગ લાગે તો પાછો પાકા કલર જેવો જ જાણે કે કોઈની પ્રિતનો રંગ લાગ્યો હોય.


ભૂરો રંગ - આ માટે તમે કાથા પાવડર નો ઉપયોગ કરીઑ શકો છો.અથવા કોફી કે ચા ના પાનને પાણીમાં ઉકાળવાથી પ્રવાહી રંગ બનશે.


કાળૉ રંગ - આ માટે તમે સુકા આંબળાને પાણીમાં પલાળી રાખશો તો સવારે કાળો રંગ મળશે.


તો હવે આપ સૌની પાસે રંગો તૈયાર છે ને તો ચાલો રમીએ હોળી એટલે કે ધુળેટી સાથે મન ના આ રંગીલા ગીતને પણ માણીએ...



holi



ફાગણીયા સુદ પુનમ રંગીલી આવી આ હોળી આવી,


અજવાળી આ રાતલડીમાં રંગીલી આવી આ હોળી આવી.



રંગોની ઉજાણી ઉડી રંગીલી આવી આ હોળી આવી,


લાલ,પીળા સપ્પટ રંગોની રંગીલી આવી આ હોળી આવી.



કેસુડે રંગ ભરી પિચકારી રંગીલી આવી આ હોળી આવી,


રંગીલી મન મસ્ત મજાની રંગીલી આવી આ હોળી આવી.



ખોબો ભરી ગુલાલ ઉડાવી રંગીલી આવી આ હોળી આવી,


નાના મોટા સૌને રમાડતી રંગીલી આવી આ હોળી આવી,


હોળીએ રંગો તણી ધૂમ મચાવી રંગીલી આવી આ હોળી આવી.



લડ્ડુગોપાલના ધામમાં થાળ ભરી ગુલાલ ઉડાવી,


રમાયો રંગો કેરો રાસ રંગીલી આવી આ હોળી આવી.

No comments: