March 16, 2009

ALL THE BEST વિદ્યાર્થી ભાઈ-બહેનો… ચીમ્પુભાઈની પરીક્ષા….. રમેશ પટેલ ‘આકાશદીપ’




જય શ્રીકૃષ્ણ મિત્રો,


આવતીકાલથી શરૂ થઈ રહી છે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ.તો દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને આપની આ પરીક્ષામાં ઉજ્જવળ સફળતાં મળે તે બદલ શુભકામનાઓ અને આપ આગળ પણ પ્રગતિ કરતા રહો. આજે તો બધા લોકોની સલાહનો આપ પર મારો ચાલી રહ્યો હશે તેથી હું કોઈ વધારે સલાહ આપી આપની ચિંતામાં વધારો કરીશ નહીં.


બસ એટલું કહીશ કે મિત્રો આપે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી જ હશે તો જરા પણ ડર્યા વિના શાંત ચિત્તે વાંચજો અને બહું ઉજાગરા પણ ના કરતા, અને વાંચનમાં વચ્ચે થોડો સમય ફાળવી ફ્રેશ પણ થઈ જજો. જેમકે પ્રકૃતિની સાથે થોડો સમય વિતાવીને કરી શકો તો એ ફુલ છોડ ઝાડ સાથે સ્પર્શ-સંવાદ કરીને, કે આપને મનપસંદ ગીત-સંગીત સાંભળીને પણ આપને રાહત લાગશે.અને હા આ હું મારા પોતાના અનુભવ પરથી કહું છું, પરીક્ષા જ નહી કોઈ પણ પળે જ્યારે બહુ ઉદાસ કે બહુ ખુશ હોઉં છું ત્યારે બસ આ ફુલ-ઝાડ સાથે વાત કરીને એકદમ રિલેક્સ થઈ જાઉં છું.અને એક વાત કહું જો જો આપ અનુકરણ ન કરતા, આમ તો મને શાંતિમય વાતાવરણ ખુબ જ ગમે છે પણ નાનપણથી જ આજુબાજું શોર બહું રહેતો જેથી વાંચનમાં તકલીફ પડતી પણ પછી ધીરે ધીરે એવી કેળવી લીધી કે ટીવી કે રેડિયો સાંભળતાં સાંભળતાં જ વાંચવા લાગ્યો અને બસ હવે તો આદત થઈ ગઈ છે કે ટીવી કે રેડિયાના ગીતો સાથે મારા અભ્યાસના પાઠો સાંકળી લેવા લાગ્યો.જો જો આપ અત્યારે આવું કાંઈ ન કરતાં હા વેકેશનમાં પ્રયત્ન કરવો હોય તો કરજો અત્યારે પરીક્ષા સમયે નવા અખતરાં ન કરતાં.


આજકાલ તો ફેશન થઈ ગઈ છે સંબંધીઓમાં જે વિદ્યાર્થીઓ બોર્ડમાં હોય તેમને ALL THE BEST કહેવા આગલા દિવસે તેમના ઘરે ઉમટવાનું અને જાત જાતની સલાહ આપવાની અને બિચારા તેને વાંચવામાં પણ વારેવારે પરેશાન કરવાનો.મને તો સાચે જ આ પસંદ નથી.આપ શું વિચારો છો આ બાબતે...?વળી પરીક્ષા આવી એટલે હવે તો બાળક કરતા તેના માતા-પિતાના ઉજાગરાં વધી જાય છે,કેટલાક તો મહિના અગાઉ થી રજાઓ મુકી દે છે અને બિચારા બાળક પર જાત જાતનાં પ્રતિબંધ મુકી દે છે.અને ક્યારેક આ પ્રતિબંધો અને માતાપિતાની વધું પડતી અપેક્ષાઓને કારણે બાળક માનસિક તાણ અનુભવે છે અને કેટલીક વાર અજુગતુમ પગલું ભરી બેસે છે.સ્પર્ધાના આ યુગમાં મહેનત જરૂરી છે પણ બાળક પર આપની અપેક્ષાનું દબાણ એટલું ન વધારી દો કે તે આ ભાર સહન જ ન કરી શકે, અને દરેક પોતાના બાળકને ડોક્ટર કે એન્જીનિયર બનાવવા ઈચ્છે છે પણ એના લીધે આપના બાળકમાં રહેલ એક સંવેદનશીલ કલાકાર દબાઈ જાય છે.અને જો બધા જ ડોક્ટર કે એન્જીનિયર બનશે તો જીવન જરૂરી બીજા કામો કોણ કરશે, આખરે દરેક વ્યક્તિની એક ઓળખ હોય છે અને તેનું સમાજમાં એક આગવું મહત્વ હોય છે તે ન ભુલવું જોઈએ.ચાલો બહું થયું હવે માણીએ પરીક્ષા વખતે માતાપિતાની અને બાળક સાથે ઘર ઘરમાં ભજવાતું આ દ્રસ્ય રમેશ પટેલની આ રચનામાં જે એમણે મારી માંગ પ્રમાણે મને લખીને મોકલાવેલ છે.અને હા આ સાથે ગયા વર્ષે રજું કરેલ ભણવાની ઋતુ આવી…. - મુકુલ ચોક્સી રચના પણ માણવાની ચુકતા નહી.અને આપ પણ આ બાબતે આપનો મંતવ્ય આપશો તેવી આશા.



chimpu-exam



ભૂલી ભણવાનું હાય! કીધી અમે મજા


ભલા મમ્મી પપ્પાને થાશે હવે સજા



ડરતો ચીમ્પુ બોલ્યો પપ્પા


આવે છે દોડતી મારી પરીક્ષા



ચિમ્પુ છે નાનો સૌનો લાડકડો


પરીક્ષાના ભારે ચડ્યો છે તાવલો



ચીમ્પુભાઈને ગાદી ને તકિયા


મમ્મી આવી લેતી બલૈયા



શાળાનું પત્રક વાંચે જનકરાય


નોકરીયેથી રજા રાખે જનકરાય


આવી પરીક્ષા ને જાગે જનકરાય


વાંચવાનું ટેબલ બનાવે જનકરાય



ચીમ્પુને પાનો ચડાવે જોશે જનકરાય


પૂછાતા પ્રશ્નો કરાવે હોંશે જનકરાય



ચીમ્પુ ઝોકે ચડે ને ઉઠાડે જનકરાય


ચાનું થરમોસ વારેવારે માગે બટુકરાય



ગાંઠીયા ભાવનગરી તળે જનકરાય


પરીક્ષાના ઉજાગરા કરે જનકરાય



ગોળ સાકરના ટૂકડા મુખે મૂકતો ભાઈ


આવી પરીક્ષાને જંગે હાલ્યા ચીમ્પુભાઈ



પરીક્ષા આપી ચીમ્પુભાઈ હરખે હરખે ફૂલાયા


પાસ થયો ચીમ્પુ ને વધામણી ખાય જનકરાયા

No comments: