February 23, 2009

મહા શિવરાત્રી...હેમાડે હાલી ઓલી જાડેરી જાન......

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.અને તેમા પણ આજે છે સોમવાર એટલે ભૉળા શંભુનો જ દિવસ. એટલે તો બહુ જ ખાસ દિન બની જાય છે આજ.આપણા ભારતવર્ષમાં ૩૩ કરોડ દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ ભગવાન શંકરને તો ભોળાનાથ કહે છે કારણકે તેઓ સહેજ ભક્તિભાવ,પૂજાઅર્ચનાથી પણ પ્રસન્ન થઈ જાય છે.આવા ભોળાનાથને યાદ કરીને ૐ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી આજે તો દરેક શિવાલય ગૂંજી ઉઠશે.અને તેમાં પણ ગીરનારની તળેટીમાં થતો ભવનાથનો મેળો તો જગ આખામાં પ્રખ્યાત છે.વળી આ ઉપરાંત સોમનાથમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે અને મહારાષ્ટ્રના નાગેશ્વર ઉપરાંત ગુજરાતમાં દ્વારકા પાસે આવેલ નાગેશ્વર પણ દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણવામાં આવે છે.


પણ અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે તો શિવ પાર્વતીના લગ્ન સાથે સંકળાયેલ ત્ર્યંબકેશ્વરની વાત કરવી છે જેનો ફોટો અહીં નીચે છે.તો કહે છે કે લગ્ન સમયે આમંત્રિત દેવોમાં પરમપિતા બ્રહ્માનું પણ વિશેષ સ્થાન હતું.સતી પાર્વતીના અપ્રતિમ સૌંદર્યને જોઈને ખુદ બ્રહ્માજીના મનમાં પણ મોહ વ્યાપ્યો હતો.આ જોઈને ભગવાન સદાશિવે બ્રહ્માજીને ગંગા નદીનું જળ આપી સ્નાન કરી શુદ્ધ થવા જણાવ્યું.અને બ્રહ્મદેવે તેમ કરી આત્મશુદ્ધિ મેળવી.તેથી જ અહીં જ્યોતિર્લિંગથી માંડી ગર્ભગૃહ સુધી પવિત્ર પાણી આખા વર્ષ દરમિયાન વહેતું રહે છે.તો આવી લગ્નની વાત થઈ છે તો ચાલો આજે શિવરાત્રી પર તેમના લગ્નપ્રસંગનું એક લોકગીત આપ સર્વેને સંભળાવું.તો માણૉ આ રચના અને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.



tryambakeshvar


shiv-parvati






સ્વર :- ગ્રીષ્મા શ્રીમાળી, કૌશિક શ્રીમાળી




હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,


પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હે દેવોનો ડાયરો ને જોગીની જમાત,


જાનમાં આવ્યાં છે ભૂત કેરી નાથ,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હે ઉતારો આપ્યો એને મહાણની માથ,


ચોળી ભભૂતિ ભોળે સજ્યો શણગાર,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હે વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ,


ચીબરી બાઈ રુડાં ગીતડા રે ગાય,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હે માંડવે ઊભો વર પોંખવાને જાન,


ભડકી ને ભાગ્યા સાસુ જોતા જમાત,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હે ઘનશ્યામ કહે મંગળ, વરતાણા જાય


તેથી પરણ્યા શિવ પાર્વતી નાથ,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)



હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,


પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,


હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે...(૨)

No comments: