February 28, 2009

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ...માનવી અને વિજ્ઞાન.....દિલીપ આર.પટેલ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીક ઉજવાય છે.


વિજ્ઞાનની સૌથી મોટી શોધ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.વિજ્ઞાન વડે માનવ સૂક્ષ્મ નિરિક્ષણ કરે છે,પ્રયોગ કરે છે,ચકાસણી કરે છે અને છેલ્લે સત્ય તારવે છે.જ્યાં સૂર્યનાં કિરણૉ પણ નથી પહોંચી શકતાં ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈ માનવે કેટલાય વણઉકલ્યાં રહસ્યો છતાં કર્યાં છે.વિજ્ઞાન એ માનવજાત માટે ઈશ્વરનું વરદાન છે.પૃથ્વીથી હજારો કિમી દૂરના અવકાશમાં પણ માનવ અવનવાં સંશોધનો કરશે તેની એક સદી પહેલા કલ્પના પણ નહોતી તે આજે શક્ય બન્યું છે.આજે અત્યારે હું અને આપ સર્વે મિત્રો પણ આટલા દૂર હોવાં છતાં એકબીજાના આટલા નજદીક અને આપણી ભાષાના સાહિત્યને એકબીજા સાથે વહેંચી શકીએ છીએ એ પણ તો આ વિજ્ઞાનને જ આભારી છે ને.તો ચાલો આજના દિને આવાં મહાન વૈજ્ઞાનિકોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણાં લઈ નવી દિશા, ક્ષિતિજો તરફ ઉડાન ભરીએ. તો ચાલો આજે માણીએ આપણા કવિલોકના શ્રી દિલીપ પટેલની આ રચના જે વિજ્ઞાનના લાભ-ગેરલાભ સાથે સાથે એ ઈશ્વરીય શક્તિનો પણ અંશ આપી જાય છે.



nsd


પોપચાં ક્યારે ઢળે? સમણાં બસ ઈંતેજાર કરે


નિશા સમે શાંતિ તોયે માનવી બસ પડખાંભેર ફરે.



ટેસ્ટ ટ્યુબ બેબી કે ડૉલીનું પ્રભુ બની નિર્માણ કરે


બાયોટેરરીઝમના નામે માનવી તું હેવાનિયત કરે.



વિજ્ઞાન કેટલું વિકસ્યું! અંતરિક્ષે હરણફાળ ભરે


કૂપમંડુક થૈ હું” “તુંમાં માનવી બસ અટવાયા કરે.



ઈન્ટરનેટ આગમને ગ્લોબલ વિલેજ જ્યાં શક્ય બને


ધર્મ-વર્ણ નામે ઝનૂન કરી માનવી ભાગલા કરે.



વિશ્વ સમૃધ્ધિ શિખરે છતાં અશાંતિ ચહુદિશે રહે


કપોતો પંપાળી શાંતિદંભે માનવી માનવીને હણે.



મરકટ થયેલું મનડું ભૂલ-ભૂલામણીમાં ભમે


ભોમિયો બની પ્રભુ બસ માનવી પર અહેસાન કરે.


…………………………………………………….


દિલીપ આર. પટેલ

No comments: