February 21, 2009

વિશ્વ માતૃભાષા દિન...મળે સુર જો મારો તારો.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૧મી ફેબ્રુઆરી.આજે છે વિશ્વ માતૃભાષા દિન.સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા આ દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.દરેક ભાષાની સાથે એક આખો સમાજ,એક આખી અનોખી સંસ્કૃતિ તો ધબકતી હોય છે.આ ઉપરાંત એક અજોડ માનવવિશ્વ-અનુભવવિશ્વ પણ અસ્તિત્વ ધરાવતું હોય છે.અરે આપણા ગુજરાતમાં પણ જોઈલોને આમ તો ગુજરાતી જ પણ છતા પણ જુદા જુદા જિલ્લા પ્રમાણૅ ભાષા પણ બદલાય અને તેનો લહેકો પણ.જેમકે અમદાવાદની હોય કે પછી મહેસાણા કે સુરતી કે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષા.


આજે આ દિન નિમિત્તે યુનેસ્કોએ લુપ્ત થવાનો ભય છે તેવી ભાષાઓની યાદી તૈયાર કરી છે જેમાં સૌથી વધુ ૧૯૬ ભારતીય ભાષાઓ લુપ્ત થવાના આરે હોઈ પ્રથમ ક્રમે છે.આ માટૅ આપણૅ આપણી સંસ્કૃતિ ભાષાનું જતન કરવું જોઈએ અને આજકાલ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની જાણે ઘેલછા લાગી છે.હું એ નથી કહેતો કે સમાજમાં સ્પર્ધાના આ યુગમાં આપણૂં સંતાન પાછળ રહી જાય પણ એ પોતાની માતૃભાષાથી પણ આ મા ના પ્રેમથી વંચિત રહી જાય એ કેમ ચાલે.કમ સે કમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં હોવું જ જોઈએ.


ચલો એક વાત જ લઈ લો ને આપણી ગુજરાતી ભાષામાં કૌટુંબિક સંબંધોનું એક અનોખું માળખું છે.મમીની બેન માસી, અને પપ્પાની બેન તે ફોઈ, કાકાની પત્ની તે કાકી, અને મામાની વહું મામી.હવે આ ચારેય સંબંધો કેટલા જુદા જુદા છે અને આ ચારેય સંબંધોમાં લાગણીના તાણાવાણા,પ્રેમ અને ઉષ્માની સંવેદના એકબીજાથી સાવ જુદી જુદી.માસી કહેતા જે ઉષ્મા અનુભવાય તે મામી કહેતા અનુભવાય તેના કરતા સાવ જુદી જ હોય.હવે વિચારો આપણું સંતાન ૩ વર્ષની ઉંમરથી જ અંગ્રેજી માધ્યમમાં ભણે તે આ ચારેય સંબંધ માટે એક જ શબ્દ વાપરશે આન્ટી.હવે આપ જ કહો કે જન્મ થયો ત્યારથી જેના લાડ-દુલાર પ્રેમ પામેલા તે માસી અને ફોઈ પણ આન્ટી અને કાકાની જાનમાં જઈને અથવા મામાના વરઘોડામાં નાચીને લાવેલ કાકી કે મામી પણ આન્ટી.આ કહીને અંગ્રેજી ભાષાનું અપમાન નથી કરવા માંગતો પણ આપણી ગુજરાતી ભાષાના સંબોધનમાં પણ કેટલો પ્રેમ રહેલો છે તે જણાવવું હતું.જે સંવેદના તે બાળક ન સમજી શકે.


આવો જ કંઈક કિસ્સો ક્યાંક વાંચેલો કે જોયેલો જેમાં એક કાકા નાના બાળકોને વાર્તા કહેતા હતા.જેમાં બે ત્રણ બાળકો અંગ્રેજી માધ્યમના પણ હતા.હવે વાર્તામાં વશરામ કાકા છાનામાના રસોડામાં પહોંચી તપેલીમાં ચોંટેલો શ્રીખંડ ઉસેડી ઉસેડીને ટેસથી ચાટતા હતા એવી વાત આવેલી.હવે આ વાત તે અંગ્રેજીમાં ભણતા બાળકને કઈ રીતે સમજાવવી..? ચાટવાની ક્રિયાને તો Suck અથવા lick એમ કહી સમજાવ્યા પણ તેમાં આ વાર્તામાં શું કહેવું Suck કે lick.તો પાછો સવાલ હતો કે ઉસેડી ઉસેડી એટલે.તો આ માટે તેમને ઉસેડવું એટલે To collect એમ સમજાવ્યું તો વળી સવાલ કે તો પછી બે વખત ઉસેડી ઉસેડી શા માટે.?અને આનો જવાબ આપવા તે કાકા અંગ્રેજીના શિક્ષક હોવા છ્તા પણ મૂંઝાઈ ગયા, તો એક બાળકે તો પૂછ્યું પણ ખરું કે બે વખત કલેક્ટ કરીને સક કરી ગયા.?.ત્યારે તેમણે હા કહી વારંવાર ક્રિયા થાય છે તેમ કહી વાર્તા આગળ ચલાવેલી.પણ મિત્રો વાત કેટલી સરળ હતી કે શ્રીખંડ નામ માત્ર ચોંટેલો હોવા છતાં એ આંગળીની મદદથી વારંવાર એનો ટેસ કરતા હતા તે બીજા બાળકોને આસાનીથી સમજાઈ ગયું હતું.કહેવાનો આશય એટલો જ કે આપણી માતૃભાષાની તોલે તો બીજી કોઈ ના આવે અને આ દરેક વ્યક્તિ માટે લાગું પડે જ છે ફરક છે સમજવાની.


આજે આ પ્રસંગે આ ગીત નો વિડીયો દૂરદર્શન પર હું નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું અને આ ગીતમાં શબ્દો તો બહુ જ ઓછા છે પણ ગીત બહુ જ સુમધુર છે કે મળે સુર જો મારો તારો, બને આપણૉ સુર નિરાળો, પણ તેને ભારતની વિવિધ ભાષા અને પ્રાકૃતિક સૌંદર્ય અને ભારતના સારા કલાકારો પર ફિલ્માવવામાં આવેલ છે અને આજે જ્યારે ૧૯૬ જેટલી ભારતીય ભાષા લુપ્ત થવાના આરે છે ત્યારે આ રચના મૂકવાનું મન થયું.આશા છે આપને ગમશે અને આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.





मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा,


सुर की नदीयां हर दिशा से बहते सागरमें मिले,


बादलों का रुप लेकर बरसे हलके हलके


मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा.


માફ કરશો કાલે આ પોસ્ટ મુકતો હતો ત્યારે વીજળી ચાલી ગઈ અને પછી આવી ત્યારે ફોન બંધ થઈ જતા ઈન્ટરનેટ ચાલું ન થતા આ પોસ્ટ તૈયાર હોવા છતા થોડી મોડી રજું થઈ.

No comments: