February 17, 2009

જાનકી જયંતી...લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો !.....

જય શ્રીકૃષ્ણ મિત્રો.


આજે છે મહા વદ આઠમ.આજે છે સીતામાતા ની જન્મતિથિ એટલેકે જાનકી જયંતી.ભારતવર્ષમાં સીતા માતાનું સ્થાન સર્વોચ્ચ છે.તે સતીત્વ અને સંપૂર્ન નારીત્વનું પ્રેરક અને જીવંત પ્રતિક છે.તે પોતે સંતાપ સહન કરીને,અનેક કષ્ટો વેઠીને જાણે તેઓ શ્રી રામથી પણ આગળ નીકળી ગયા છે.અને જાણે કે અવિનાશ વ્યાસની રચના મારા રામ તમે સીતાજીના તોલે ના આવો...કંઈક આવુ જ પ્રતિત કરાવે છે. તેમની અનેક કથા ગાથાઓ આપે સાંભળી હશે અને રામાયણ તો સર્વવિદીત છે જ.પણ આજે અહીં એક લોકગીત રજૂ કરું છું જેમાં રામ અને સીતા વચ્ચેની મીઠી તકરાર છે પ્રેમ છે અને એકબીજા પરનો હક પણ જતાવે છે.તો ચાલો માણીએ આ લોકગીતને.આપને આ કેવું લાગ્યું તેનો પ્રતિભાવ જરૂરથી આપશો.



ramsita0





લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

No comments: