February 6, 2009

આસિમ રાંદેરીનું અવસાન...કિંતુ મારી લીલા ક્યાં છે.....આસિમ રાંદેરી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે એક દુખદ્ સમાચાર છે જાણીતા ગુજરાતી ગઝલકાર આસિમ રાંદેરીનું મોડી રાતે અવસાન થયું છે.તેઓ એ ૧૦૫ વર્ષના તેમના જીવનકાળમાં ઘણી સારી કૃતિઓની રચના કરી છે.અને રાંદેર ગામમાં પહેલો ગુજરાતી મુશાયરો એમણૅ કરેલો.એમને કલાપી એવોર્ડ,વલી ગુજરાતી એવોર્ડ સહિતના અનેક એવોર્ડોથી નવાજવામાં આવેલા છે."લીલા"નામના પાત્ર પર તેમણૅ લખેલ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયેલું.'કંકોત્રીથી એટલું પુરવાર થાય છે,નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે' અને 'એક મુસાફિર જગમા સાચો જેની પાછળ મંઝીલ ભાગે' જેવા શેરના રચયિતા જવાથી રાંદેરગામ જ નહી સમગ્ર ગુજરાતને તેમની ખોટ શાલશે. તો આજે તેમને શ્રદ્ધાંજલી અર્પતા આ લીલા પરનૂં ગીત મૂકું છું જે સાચે જ તેમને શોધતા હોય તેવું લાગે છે.અને મનહર ઉધાસ ભાઈના સ્વરમાં સાંભળ્યા બાદ ખરેખર ભાવવિભોર થઈ જવાય છે તો આપનો મંતવ્ય જણાવશો.અને હા જો આસીમ રાંદેરી વિશે વધું જાણવા તથા તેમની અન્ય રચનાઓ માણવી હોય તો બઝમે-વફાની મુલાકાત જરૂરથી લેજો.



asim-randeri





એ જ બગીચો,એ જ છે માલી,


એ જ ઉષા ને સંધ્યાની લાલી,


કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,


કોયલ બુલબુલ ડાલી ડાલી,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



એ જ બહારો બાગની અંદર,


પ્રેમનાં જાદું રૂપનાં મંતર,


એ જ પતંગા દીપના ઉપર,


એ જ કમળ છે, એ જ મધુકર,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



એ જ ફુવારો ને ફુલવારી,


રંગબેરંગી પ્યારી પ્યારી,


મખમલ સમ આભાસ પ્રથારી,


જે પર દિલની દુનિયા વારી,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



એ જ હજી છે ચૂઈ ચમેલી,


આગિયાઓની જ્યોત જડેલી,


આંબાડાળે જુઓ પેલી,


એ જ ચકોરી ચંદા ઘેલી,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



ચાંદ સિતારા એ જ ગગનમાં,


મસ્તી એની એ જ પવનમાં,


તાપી પણ છે એ જ વહનમાં,


એ જ ઉમંગો મારા મનમાં,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



વડ પર બંને નામ હજી છે,


થડ પર કોતરકામ હજી છે,


બે મનનો સુખધામ હજી છે,


સામે મારુ ગામ હજી છે,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



એ જ છે રોનક તાપી તટ પર,


એ જ છે સામે લીલા ખેતર,


વર્ષાની ઝરમરમાં મનહર,


દૂર જ સંતા મસ્જીદ મન્દર,


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.



આસીમ આજે રાણી બાગે,


ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,


મસ્ત પવનમાં પુષ્પ પરાગે,


કેમ મને વૈરાગ ન જાગે?


સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,


કિંતુ મારી લીલા ક્યાં છે.

No comments: