February 3, 2009

ખોડિયાર માતાની જન્મજયંતિ...આઈ શ્રી ખોડિયાર માતાની આરતી.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે મહા સુદ આઠમ.આજે છે આઈ શ્રી ખોડિયાર માતાની જન્મજયંતિ.તો ચાલો આજે ખોડિયાર માતાનું સ્મરણ કરતા તેમના પ્રાગટ્યની ટૂંકમાં કથા જોઈએ અને પછી તેમની આરતી પણ ઉતારીએ.સંતો અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં અનેક સંતો અને સતીઓ થઇ ગયાં. જેમાં આઇ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્ત્વ જોવા મળે છે. ખોડિયાર માતાનાં પ્રાગટય અંગે જોઇએ તો અનેક દંતકથાઓ છે.


ઈ.સ. પૂર્વે ૭૦૦મા, પાળિયાદ પાસે આવેલા નાનકડા ગામમાં રહેતો મામડિયો ચારણ વલ્લભીપુરના રાજા શીલભદ્રના દરબારમાં મામૈયા દેવ તરીકે રાજાનો માનીતો ગઢવી હતો. જેની અનેક દરબારીઓ ઇર્ષા કરતા હતા, તેથી તેમણે રાજાના મનમાં એવું ઠસાવ્યું કે મામડિયો નિ:સંતાન હોઇ તેનું મોઢુ જોવું એ અપશુકન ગણાય અને ભવિષ્યમાં તેના લીધે રાજય પર આફત આવી શકે. આથી રાજાએ રાજદરબારમાં આવવાની તેને ના પાડી દેતાં ચારણ પર આભ તૂટી પડયું. તેણે પત્ની દેવલબાઇને કહ્યું કે , હું સંતાન માટે ભોળાનાથને મનાવીને જ પાછો ધેર આવીશ. જો ભગવાન પ્રસન્ન નહીં થાય તો દેહ પાડીશ અને કમળપૂજા કરીશ. ચારણદેવે ઉગ્ર તપશ્ચર્યાથી ભોળાનાથે તેમને દર્શન આપી સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું. દીકરો અવતર્યા. એમના નામ અનુક્રમે આવળ, જોગલ, તોરલ, જાનબાઈ, હોલબાઈ, વીજબાઈ, સોસાઈ અને દીકરાનું નામ મેરખિયા રાખેલ. આ પૈકી આવળ એ ખોડીયાર માતા.


ખોડિયાર નામ અંગે પણ કેટલીક વાયકાઓ જોવા મળે છે. મામડિયાનો દીકરો મેરખિયાને કાળોતરા સાપે દંશ દેતાં તે મૃત્યુ પામ્યો. આ વાતની ખબર પડતાં આવળ પાતાળલોકમાં નાગરાજા પાસે અમૃતનો કુંભ લેવા ગયાં. ત્યાંથી પરત આવતી વખતે પગમાં ઠેસ લાગતાં તેમને ગંભીર ઇજા પહોંચી પણ તેની દરકાર કર્યા વગર ખોડાતા પગે તેઓ ધરતી પર આવ્યાં હોઇ મા આવળનું નામ ખોડી-ખોડિયાર પડયું. તેમણે મગરના નાકમાં સોનાની કડી પહેરાવતાં મગરને મા ખોડિયારના વાહન તરીકે સ્થાન મળ્યું.


અન્ય એક કથા અનુસાર કૈલાસમાં બિરાજમાન શંકર પાર્વતીએ તેમના સેવકો ચૂંડ અને મૂંડની સેવાથી ખુશ થઇને પોતાના નંદીને ચરાવવા જતાં કોઇ વિધ્ન ન આવે તે માટે ચૂંડને અમર ફૂલ આપી વરદાન આપ્યું કે કોઇની સાથે લડવું પડે તો પોતે એકના અનેક થઇ શકશે. સમય જતાં ચૂંડમાં આસુરીવૃત્તિ પ્રગટતાં તે શંકર સાથે લડવા તૈયાર થઇ ગયા અને પાર્વતીજીને પોતાને સોંપી કૈલાસ છોડી દેવાનું કહેતા મૂંઝાયેલા શંકર ભગવાને ચૂંડ પાસેથી અમર ફૂલ પડાવી લેવાનું કામ મામડિયાની દીકરીઓને સોંપ્યું. દેવી આવળે સોનેરી ચકલીનું રૂપ લઇ અસુર ચૂંડની જટામાં રાખેલ અમર ફૂલ ઝૂંટવી લીધું. અચાનક થયેલા આક્રમણથી બેબાકળો બનેલો ચૂંડ સોનેરી ચકલીની પાછળ પડયોને તેને ભસ્મ કરવા અગ્નિજવાળાની ફુંક મારતાં સોનેરી ચકલી બળીને કાળી થઇ ગઇ અને પગ બળી જતાં તેમને પગમાં ખોટ આવી ગઇ. આમ છતાં દેવી આવળે તેની દરકાર કર્યા વગર અમર ફૂલ માતા પાર્વતીજીને સુપરત કરી દીધું. તેથી પાર્વતીજીએ આવડને આશીર્વાદ આપતાં કહ્યું કે ચૂંડ સાથેના યુદ્ધમાં તને પગે ખોડ આવી ગઇ છે. જેથી તું ખોડી-ખોડલ ખોડિયાર તરીકે જગતમાં પ્રસદ્ધિ થઇશ.







khodiyar-mata

સ્વર - અરવિંદ બારોટ, મીના પટૅલ, બિપીન સઠીયા


સંગીત - પંકજ ભટ્ટ.




જય ખોડિયાર માતા,માડી જય ખોડલ મા,


સંકટહરણી,ઉજ્વલવરણી,મંગલકરણી મા,


માડી જય જય ખોડલ મા...(૨)



મામડિયા ઘેર જન્મી,માડી દુખડા તમે હર્યા,


દુખડા હર્યા, જલડા તર્યા, અમૃત ભર્યા મા,


માડી જય જય ખોડલ મા...



નવઘડ કેરા ભાલે બેઠી ચકલીરૂપ ધર્યું,


જાળ શીદ મહાચાવી સંકટ તો હર્યું,


માડી જય જય ખોડલ મા...



આરતી પૂજન અર્ચન કરીએ,માડી ધરીએ તમારું ધ્યાન,


બાળા ઘોડા સૌ બાળ તમારા,લેજો રે સંભાળ,


માડી જય જય ખોડલ મા...



ખોડિયારમાંની આરતી જે ઘરમાં રોજ ગવાય,


કરજોડી ચતુર કહે છે આનંદ મંગળ થાય,


માડી જય જય ખોડલ મા...



જય ખોડિયાર માતા,માડી જય ખોડલ મા,


સંકટહરણી,ઉજ્વલવરણી,મંગલકરણી મા,


માડી જય જય ખોડલ મા...(૨)


No comments: