February 1, 2009

વસંતરાજાના આગમનની વધાઈ - ૩... પગલા વસંતના…..મનોજ ખંડેરિયા

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આમ પણ હવે વસંતઋતુનું આગમન થઈ ગયું છે તો આજે ફરી એકવાર વસંતરાજાના આગમનની વધાઈ આપતું મનોજ ખંડેરિયાનું આ ગીત આપ સમક્ષ લાવી રહ્યો છું.અહીં કવિ કહે છે કે "આ ફૂલડાં બીજું કાંઈ નથી પગલાં વસંતનાં" આમ સુગંધતા ફેલાવવી એ વસંતના આગમનની એંધાણી બતાવે છે,તો શું આપણૅ પણ માનવતારૂપી સુવાસ પ્રસારી ન શકીએ...?પ્રકૃતિ પણ આ ઋતુ દ્વારા આપણને સંદેશ આપે છે કે જીવનમાં ફૂલોની માફક ખીલીને તેની સુવાસ પ્રસરાવો.વળી આજે ૧લી ફેબ્રુઆરી છે એટલે ગુજરાતમાં આજે પોલિયો રવિવાર છે તો આપ સર્વેને વિનંતી કે જો જો આપનું અથવા આપની નજીકમાં કોઈ પણ ૫ વર્ષથી નાનું બાળક તેનાથી વંચિત ન રહી જાય.અને હા વસંત ના વધામણા વધું માણવા હોય તો પિન્કીબહેનના બ્લોગ વેબ-મહેફિલની મુલાકાત લેવાનું ચૂકતા નહી રસતરબોળ થઈ જશો તેની ગેરંટી...તો લો માણો આ રચના.....



rasta-vasantna

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફુલો એ બીજુ કૈં નથી, પગલા વસંતના

મલયાનિલોની પીંછીને રંગો ફુલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના.

મ્હેંકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતનાં


ફાંટુ ભરીને સોનુ સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતનાં


No comments: