January 26, 2009

પ્રજાસત્તાક દિન...લાલ કિલ્લો ગર્વીલો.....રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા.સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ ૨૬-૦૧-૧૯૫૦ના રોજ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.તો આજે તો દિલ્હીમાં આપણા લાલ કિલ્લાને ખૂબ સજાવ્યો છે અને ધ્વજવંદનની સાથે સાથે લશ્કરી પરેડ અને જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.તો ચાલો આજે માણીએ આપણા રમેશ પટેલની આ રચના અને લાલ કિલ્લાના ઉત્સાહને વધાવી લઈએ.





લાલ કિલ્લો ગર્વીલો



laal-killo



મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે વાણીનાં ઝરણાં જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)


આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત પારેવડાં દે સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર અમારો મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે અમારો ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

No comments: