January 25, 2009

સિંહની પરોણાગત !.....રમણલાલ સોની

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૫મી જાન્યુઆરી.આજે છે ગુજરાતી બાળસાહિત્યમાં ગલબો શિયાળ, વલવો વાઘ, મગલો મગર, પપૂડો વાંદરો જેવા જીવતા જાગતા પાત્રોના સર્જન કરનાર અને વોર્લ્ટ ડિઝનીને પણ ચડી જાય તેવા શ્રી રમણલાલ સોનીનો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૫-૧-૧૯૦૮ ના રોજ સાબરકાંઠાના કોકાપુર ગામે થયો હતો.તેમણે તો ભારતીય સંસ્કૃતિમાંથી વાર્તાઓનો આખો દરિયો ઉલેચ્યો. લાડુની જાત્રા, કૌતુક બોધકથામાળા,સાત સમુંદર,નીલકમલ, વગેરે બાળવાર્તાઓ આપી બાલદોસ્તો માટે તો જાણૅ મોજ મસ્તી અને જ્ઞાનનો ભંડાર ખોલી આપ્યો.અનુવાદો અને મૌલિક કૃતિઓ મળી ૪૦૦થી પણ વધુ પુસ્તકોનું સર્જન તેમણે કરેલું છે.તેઓ કહેતા બાલસાહિત્ય લખતાં હું કેવળ બાળકક્ષાએ આવી જાવ છું, કોઈ હવામય હયાતિ કામ કરે છે તેવું અનુભવું છું.અને જોડકણાઓ માટે તો કહેતા કે જોડકણાં એટલે ઊંધે માથે ગલોટિયાં ! મોં માથા વગરના શબ્દો અને વિચારોની કૂદાકૂદ.તેમની વાર્તાની દુનિયા એટલી રંગીન છે કે તમે તેમાં ખોવાય વિના રહી જ ન શકો.આવા દાદા સને ૨૦૦૬માં ૯૯ વર્ષની વયે આ બાળકોને મૂકીને ગયા પણ તેમની વાર્તા હંમેશા આપણી સાથે રહેશે જ.એમની જ ગુજરાતી પાઠ્યક્રમમાં ૩જા ધોરણમાં આવતી સિંહની પરોણાગત ! કવિતા બહુ જ સુંદર રચના છે


સિંહની પરોણાગત !



sinh-ni-paronagat



રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,


સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી !



ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ


મારે ઘેર પધારો રાણા, રાખો મારું ક્હેણ.



હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં,ચાખોજી મધ મીઠું,


નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું !



રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,


સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!




ઘર આ મારું, જમો સુખેથી, મઘની લૂમેલૂમ
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ !

મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર,


બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !!



આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા,


ખાધો બાપ રે!કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !



રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,


સામે રાણા સિંહ મળ્યાતા, આફત ટાળી મોટી !




અને આપણા NET-ગુર્જરીના જુગલકિશોર કાકાએ આ કાવ્યનો ખૂબ જ સુંદર રસાસ્વાદ કરાવ્યો છે જે તેમનાં શબ્દોમાં જ અહીં પ્રસ્તુત કરું છું તથા તેમની સાઈટની પણ મુલાકાત લેવાનું ચૂકતા નહી અને હાં કાલે ૨૬મી જાન્યુઆરી છે તો રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પ્રસ્તુત કરીશ જે ખૂબ જ રસપ્રદ છે.

અરધી સદી પહેલાં, નાનપણમાં આ ગીત ભણવામાં આવતુ ! રીંછની યુક્તી,સીંહની મુર્ખાઈ, માખીઓના ડંખથી ઉભી થતી રમુજ અને કાવ્યની બીજી પંક્તીમાં છેલ્લે કવીએ કરેલો હેતુ સભર ફેરફાર આટલી બાબતોએ ખાસ રસ જગાવ્યો હતો. વાર્તા તો એના સ્થાને મઝાની હતી જ.



આજે પણ આ કાવ્યના એ બધા અંશો તો ધ્યાન ખેંચે જ છે પણ કેટલુંક બીજું પણ હવે સમજાય છે જે કાવ્યને આજેય માણવા લાયક બનાવી દે છે.



સૌથી મઝાની વાત તો લાગે છે કાવ્યના પાત્રાલેખનની ! સીંહને જોતાંવેંત રીંછ જે રીતે વ્યુહ ઘડી કાઢે છે એ એના ફળદ્રુપ ભેજાની નીપજ છે. મધનો ખોરાક આયુર્વેદમાં બહુ વખણાયો છે !! આજે પણ કેટલાક બહુ જ પૌષ્ટીક દ્રવ્યોમાં મધની ગણતરી ઉત્તમ ગણાય છે. એનું દરરોજ ભક્ષણ કરનારમાં આવી તીવ્ર સુઝ હોય તે સહજ ગણાય. સામે છેડે આપણા શાકાહારીઓને પોરસ ચડે એવો દયામણો દેખાવ વનના રાજા કહેવાતા સીંહનો બતાવાયો છે તે, આજે માંસાહારના વીરુદ્ધમાં જે કંઈ લખાય છે તેમાં પુર્તી કરવામાં મદદરુપ બનતું જણાય છે.



જો કે કાવ્યના રસદર્શનમાં આ બાબતને આગળ લાવવાની જરુર નથી ! પણ કાવ્યના ન્યાયની વાતમાં એને ક્યાંક ગોઠવી દેવાનું મન થાય તો એ વાતને ક્ષમ્ય ગણવી રહી !!



પ્રથમ બે પંક્તી બાદ તરત જ કાવ્યમાં પલટો બતાવાયો છે. સીંહને જોઈને આફત આવ્યાનું બતાવ્યા બાદ સીધું જ રીંછ નમે છે એટલે કાવ્યની નાટયાત્મકતા થોડી ઝંખવાતી લાગે, પણ કાવ્યની લઘુતા માટે એમ કરવું જરુરી પણ હતું ને !



પ્રસ્તુત કાવ્યમાં બે પંક્તી વચ્ચે એક સ્પેસ છોડીને મેં જ્યાં પણ દર્શાવ્યું છે ત્યાં ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં વારતામાં વળાંક આવ્યો છે. પંક્તી નં. ૨,,,૧૨ પછી આવા પલટાઓ જણાશે. આ પલટાઓ કાવ્યમાં શોધવાનું બહુ જરુરી હોય છેઅહીં તો જોકે વારતા છે એટલે કથાતત્ત્વમાં પલટા જણાશે, પરંતુ કાવ્યમાં ભાવ અને વીચારના પલટાઓ પણ આવતા જ રહેતા હોય છે અને કાવ્યરસને માણવામાં આવું સુક્ષ્મ દર્શન બહુ ઉપયોગી થતું હોય છે. આ કાવ્યમાં તો આ પલટાઓ કાવ્યમાં રહેલી નાટયાત્મકતા પણ છતી કરનારા છે.



પ્રસ્તુત કાવ્યમાં જોઈશું તો ખ્યાલ આવશે કે કુલ પાંચ પલટાઓ જણાય છે. પ્રથમ બે પંક્તિઓ કવી દ્વારા વારતાના રુપમાં બોલાઈ છે. પછીની પંક્તીઓમાં રીંછની કુશળતા અને રાજા સાથેની વાત રીંછ પાસે બોલાવાઈ છે. ( એ ફક્ત ચાર જ પંક્તીઓમાં રીંછ કેટલી બધી બાબતો રજુ કરી આપે છે તે ખાસ ધ્યાનથી જોવા જેવું છે !! આજના રાજાઓને ખુશ કરવા હોય અને એપોઈન્ટમેન્ટ ફક્ત પાંચ જ મીનીટની મળી હોય તો ત્યારે શું કરવું જોઈએ તે રીંછ બહુ સારી રીતે જાણે છે !



સીંહ અને રીંછ વચ્ચે કોઈ જ સંવાદ થયો નથી એ પણ બતાવે છે કે લાલચુ અને ઘુસખાઉ અધીકારી સંવાદમાં પડતો નથી ! એને તો કામ સાથે કામહોય છે. પરીણામે રીંછની રજુઆત બાદ બન્નેને લક્ષ્યસ્થાનેજતા બતાવાયા છે ! ગરજવાનને અને ભ્રષ્ટને અક્કલ હોતી નથી. એ તો ખાવામળતું હોય તો તરત જ ચાલવા માંડે.



પછીનો પલટો બે જ લીટી બાદ આવે છે પણ એ બે જ લીટીમાં કવી કેવું કામ લઈ જાણે છે, જુઓ ! રીંછને આગળ અને ધબ ધબકરતો પગ પછાડીને ચાલતો બતાવીને ઘણું સુચવી દીધું છે, જ્યારે સીંહને લબ લબ થતી જીભ સાથે બતાવીને તો કવીએ ભારે કામ કઢાવી લીધું છે !



પણ તરત જ વારતામાં પલટો આવે છે. વનનુ સરસ અને અતી સંક્ષેપ વર્ણન એક જ પંક્તીનું છે. તરત જ દૃશ્ય બદલાય છે અને સીંહની દશા બતાવી દેવાઈ છે. ફક્ત એક બટકું જખાવા માત્રથી એ જમાનામાં સજા મળી જતીતી ! ( આજે તો ગોડાઉનો ભરાઈ જાય એટલું ખવાયતોય કોઈ તકલીફ થતી નથી એવું અર્થઘટન આપણે જાતે કરી લેવાનું !) સીંહને જે ડંખ લાગ્યા તેનું વર્ણન પણ જુઓ. આંખેમોઢેજીભેહોઠે એમ કહ્યું છે. એમાં મોઢે અને હોઠે એવી પ્રાસયોજના આપોઆપ થઈ જાય છે એ તો ખરું જ પણ સૌથી પહેલાં જ આંખ ઉઘડી જવીજોઈએ, એવું સુચન થાય તો નવાઈ નહીં. આંખ, મોં અને જીભ ઉપરાંત હોઠનો ક્રમ આજે તો મને યાદ પણ નથી.



આ સમગ્ર કાવ્યમાં મને જે સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત જણાઈ છે તે પ્રાસ યોજના ! દરેક બે પંક્તી વચ્ચે બહુ જ મજાના, સચોટ અને સહજ રીતે આવી ગયેલા પ્રાસ એ આ બાળકાવ્યનું બળવત્તર પાસું છે. બાળકોને કાવ્ય યાદ રાખવામાં, રસ ઉભો કરવામાં અને ગાવામાં આ યોજના બહુ જ ઉપયોગી બની રહી છે.



સોટીની સામે આફત બતાવવા મોટી શબ્દ; મીઠાં વેણની સામે ક્હેણ; મીઠું મધ અને દીઠું (આપનું પ્રીય) મુખ; રીંછના વીજયકુચ કરી રહેલા પગનો ધબધબ અવાજ અને લાલચુ જીભનો લબલબાટ !; ડંખનું લાગવું ને વનરાજાનું ભાગવુ !; આ આખી પ્રાસયોજના શીખવા જેવી છે.



છેલ્લે, કેટલીક પંક્તીઓમાં જોવા મળતા ધ્વની પણ ધ્યાન ખેંચે છે.


મારે ઘેર પધારો રાણા, રાખો મારું ક્હેણમાં રકાર અને ણકારની મઝા છે તો


હાડચામડાં બહુ બહુ ચુંથ્યાં, ચાખોજી મધ મીઠુંમાં ચકાર અને મકારનાં આવર્તનો કાવ્યપઠનમાં રસપ્રદ બની રહે છે.



બાળ કાવ્યમાં મોટાંઓને ઘણું શીખવાનું હોય છે. ઘણીવાર તો બાળકાવ્યો મોટાંઓ માટે જ હોય એવું લાગ્યા વીના રહેતું નથી !!

1 comment:

jjugalkishor said...

ભાઈ શ્રી વિશ્વાસ,

આજે ઓચીંતાં જ અહીં ડોકિયું થઈ ગયું ! વાંચતાં જાણવા મળ્યું કે મારો અને –શ્રી સોનીનો જન્મ દિવસ એક જ છે – ૨૫મી જાન્યુઆરી !! (મારું વર્ષ ૧૯૪૪ છે )

એક જ દિવસિયા બન્નેને તમે આ કાવ્ય નિમિત્તે ભેગા કરી દીધાનોય આનંદ થયો !

આભાર સાથે, – જુ.