November 30, 2008

આતંકનો સફાયો આપણા હાથમાં...વાગે રણભેરી .....રમેશ પટેલ(આકાશદીપ)

જય શ્રીકૃષ્ણ મિત્રો,


હવે તો આપણા ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયરબ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં રાખી,આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા અને આખરે આતંકનો અંત આણ્યો.આ માટે તેમને તો બિરદાવવા જ પડે.


પણ એક સવાલ એ થાય છે કે આવું ક્યાં સુધી થશે...?પહેલા કાશ્મિરમાં બનેલ એક પ્રસંગ વાંચેલ યાદ આવે છે કે એક વખત એક ઈઝરાયેલ જુથ પર ૫ આતંકવાદીએ હુમલો કરેલ ત્યારે તેઓ માત્ર ૬ હતા પણ છ્તા તેઓ લડ્યા તેમાંના બે શહિદ થયા પણ પાંચે આતંકવાદીઓનો સફાયો થઈ ગયો અને તેઓ ચાર તો બચ્યાને.બસ કહેવું એટલું જ છે કે તેઓ ૧૦ કે ૧૨ હતા જ્યારે તે હોટલમાં તો ૫૦૦થી ૬૦૦ લોકો હતા જો તેઓ તેમના પર તુટી પડ્યા હોત તો હાં કદાચ કેટલાક મૃત્યુ પામત પણ તે આતંકવાદીઓના દિલમાં પણ એક ડર તો જન્માવત જ ને.અને આમ પણ મૃત્યુ પામનારનો આંકડો ઓછો તો નથી જ ને.તો પછી શહિદની જેમ લડતા મરવું શું ખોટું.હું હિંસાને સમર્થન નથી કરતો અને યુદ્ધ દરેક વાતનો જવાબ નથી હોતો.પણ આખરે સહનશીલતાની પણ હદ હોય છે અને હા કહેવત છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ પરંતુ એ બહાને આપણી કાયરતાને તો ન જ છુપાવી શકાયને.હા આપણા વીર જવાનો એ મદદ કરી તો શું આપણે આપણી મદદ ન કરી શકીએ.જાણું છું કે બોલવું સહેલું છે અને કરવું અઘરું પણ મુસ્કેલ છે અશક્ય તો નહી જ ને...ચાલો હવે આ બાબતે આપના મંતવ્યો જણાવજો.અને આપણા આ વીર જવાનો માટે રમેશ પટેલ(આકાશદીપ) ની આ રચના આપ સમક્ષ રજું કરું છું.



nsg commando



વાગે રણભેરી ને ગાજતું ગગન,


ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન


તારો ભરોસો રે ભગવાનને અટલ,


અપલક અવનિ નીરખે તારું શૂરાતન



જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,


દીધી છે આણ ધરી સૂરજની શાખ


ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત,


રચજો કીર્તિગાથા માભોમને રે કાજ



માનવતાએ આજ દીધો તુજને મહાસાદ,


યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ


જુલ્મોને આપવા સવાયો જવાબ,


સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ



દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ,


શતરંજની ચાલથી ખેલશે રે દાવ


શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા,


ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ



આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન,


જાગો રે જાગો મા ભોમના સંતાન


આતતાયી ઠેરઠેર ખેલે રે અગન,


મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન



સુણજો માભોમના અંતરના સાદ,


જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ


ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ,


રખોપા કરજો તમે ભારતીના લાલ



દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,


રોમરોમ પ્રગટે સાવજના શૌર્ય


મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ,


હાક દેજો માનવતાની રાખવાને લાજ


………………………………………..


રમેશ પટેલ આકાશદીપ

No comments: