November 28, 2008

જીવન અંજલી થાજો !.....કરસનદાસ માણેક

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૮મી નવેમ્બર.શબ્દના સાધક અને કાવ્યના ઉપાસક એવા કરસનદાસ માણેકનો જન્મ ૨૮-૧૧-૧૯૦૧ ના રોજ કરાંચીમાં થયો હતો.સમાજમાં પ્રવર્તતી વિષમતા તેમણે તેમના કાવ્યોમાં પ્રગટ કરી છે."વ્યાસ" નામે અઢાર હજાર શ્લોકોમાં વિસ્તરતું એક મહાકાવ્ય રચવાનું ભગીરથ કાર્ય તેમણૅ કર્યું.આલબેલ, પ્રેમધનુષ, કલ્યાણરાત્રિ, રામતારો, દીવડો, હરિનાં લોચનિયાં, લાક્ષાગૃહ વગેરે એમના કાવ્યસંગ્રહો છે.વૈશમ્પાયનની વાણીમાં એમની આખ્યાન શૈલીની રચન છે.તેમણૅ ૪૦ જેટલા પુસ્તકો અને લગભગ ૨૦૦૦ કાવ્યો તથા ૧૫૦ જેટલા કીર્તનો રચ્યા છે.મને તેમાંથી ગમતા ગીતો છે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે અને એક પ્રાર્થના જે તો મને અતિ પ્રિય છે જીવન અંજલી થાજો જે અત્રે રજું કરું છું...




અરે હાં વળી ગઈકાલે એટલેકે ૨૭મી નવેમ્બરે આપણા લાડીલા કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિન હતો.તો આજે આ બંને કવિઓને જન્મદિનની શુભેચ્છા સહ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામ મૃતકોને અંજલી અર્પતા અર્પતા જ આ સુંદર ગીત રજુ કરું છું.




anjali



 



જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

કરસનદાસ માણેક

No comments: