August 31, 2008

રામદેવપીર નો હેલો.........

જ્યશ્રી કૃષ્ણ મિત્રો,


આજે ભાદરવાની શરૂઆત થઈ છે. આજે રામદેવપીર નવરાત્રિની શરૂઆત થાય છે. અલખના ધણી, “પશ્ચિમી ધરાના પાદશાહતરીકે પ્રસિદ્ધ રામાપીર પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશોમાં અલખના આરાધક અને નિજારધર્મ મહાન ધર્મોના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતાં થયેલ મઘ્યયુગીન ભકિતઆંદોલન વખતે સંત કબીર, ગુરુનાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરેએ સંતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેના જાતિગત ભેદભાવો ઉલ્મુલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પિશ્ચમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શા-સ્પર્શના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવા મહત્ત્વની કામગીરી બજાવી હતી અને આને જ પોતે નિજ કે નિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા.


તો આ ભગવાન રામદેવજી અગર રામાપીર કોણ હતા એ જૉઈએ મારવાડમાં આવેલ પોકરણગઢના મહારાજા અજમલજી ભગવાન દ્વારિકાધીશના મહાન ભકત હતા. કહો કે ભગવાન તેમને હાજરા હજૂર હતા. ભગવાને આપેલ વચન પ્રમાણે સંવત ૧૪૬૧ની વસંતપંચમી (મહા સુદ પાંચમ)ના દિવસે એમના મોટા પુત્ર વીરમદેવજીના જન્મના છઠ્ઠા દિવસે (મહા સુદ અગિયારસ) એ જ પારણામાં ભગવાન રામદેવજીનું બાળસ્વરૂપે પ્રાગટય થયું. બાબાને પરચાવાળા દેવ પણ કહે છે. બાબાએ પૂછતાં લાખા વણજારાની સાકરની પોઠોમાં બધું મીઠું જે છે, તો બધું મીઠું (નમક) થઈ ગયું. પછી લાખાએ રામદેવબાબા પાસે જઈને રડીને માફી માગી. તે પછી જૂઠું કદી ન બોલવું એ શરતે બાબાએ માફી આપી અને મીઠાની સાકર થઈ. તે પછી લાખો બાબાના ભકત થઈ ગયા. લોકોને ત્રાસ આપતા ભેરવા રાક્ષસને બાબાએ ભંડારી દીધો. ભાવિ પત્ની નેતલદે અંધ તેમજ લંગડા હતાં. લગ્ન વખતે ચોરીમાં હસ્તમેળાપ વખતે તેમનું અંધત્વ તેમજ અપંગતા અદ્રષ્ય થઈ ગયા અને દેવાંશીરૂપ એમને પ્રાપ્ત થયું બાબાના પ્રતાપે દલુ વાણિયાને ચોરોએ લૂંટીને મારી નાખેલા. તે તેની પત્નીની પ્રાર્થનાથી જેને આપણે રામાપીરનો હેલો કહીએ છીએ અને ગાઈએ છીએ, તેથી બાબાએ વાણિયાનું ધડ અને માથું જૉડીને તેને જીવંત કર્યો. તે પછી વાણિયો બાબાનો પૂર્ણ ભકત બની ગયો. બાબાની પરીક્ષા કરવા મક્કાથી પાંચ ઓલિયા જેમાં મુખ્ય ઓલિયા મુસા ઓલિયા હતા તે આવેલા. આ બધા બાબાના પરચાઓથી અંજાઈ ગયેલા તેથી તેમણે રામદેવજી મહારાજને હિંદવાપીરનું બિરુદ આપ્યું.


સંવંત ૧૫૧૫ના ભાદરવા સુદ ૧૧ના ગુરુવારના રોજ બાબાએ સમાધિ લીધી. તેમની હરિજન ભકત ડાલીએ બે દિવસ પહેલાં સમાધિ લીધી એટલે કે નોમના રોજ. બંનેની સમાધિની જગા પણ ડાલીબહેને નક્કી કરી હતી. આજે પણ રણુજામાં આ સમાધિમંદિરનાં દર્શન કરવા લાખો જનો જાય છે. બાબાનાં મંદિરોમાં ખૂબ મેળા ભરાય છે. પૂજા થાય છે, પાટોત્સવ વગેરે થાય છે.







હો હો હેલો મારો સાંભળો,


રણુંજાના રાજા,અજમલજીના બેટા,


વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



હેલો મારો સાંભળો,રણુંજાના રાજ


હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,


માલ દેખી ચોર વાંહે વાંહે જાય,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,


બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,


મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



ઉભી ઉભી અબળા કરે રે પોકાર,


સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,


વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



હેલો મારો સાંભળો,રણુંજાના રાજ


હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,


ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,


વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...



હો હો હેલો મારો સાંભળો,


રણુંજાના રાજા,અજમલજીના બેટા,


વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,


મારો હેલો સાંભળો હો હો હો હો જી...


……………………………………………………


આભાર દિવ્યભાસ્કર



No comments: