November 7, 2008

આદિલ મન્સુરીનું અવસાન...(?)આવશે.....આદિલ મન્સુરી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે એક દુખદ વાત છે આપણા સૌ ગુજરાતી મિત્રો માટે.ગઝલ યુગના સમ્રાટ એવા શ્રી આદિલ મન્સુરીનું અવસાન થયું છે.૧૮મી મે ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા આ ગુજરાતી સાહિત્યના લોકપ્રિય અને પ્રસિદ્ધ સર્જક અને ગઝલકાર ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સુરી ઉર્ફે "આદિલ" મન્સુરી ચાલ્યા જતા ગુજરાતી ગઝલ નોંધારી થઈ ગઈ.૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અમેરિકાના ન્યુ-જર્સીમાં તેમનું નિધન થયું છે.અનિવાર્ય સંજોગોને લઈને જ્યારે તેમણે અમદાવાદ છોડવું પડેલું ત્યારે રચેલી તેમની આ ગઝલ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ખરેખર વતનની તેમની લાગણી વ્યક્ત કરે છે.અને પરદેશમાં રહીને પણ ગઝલગુર્જરી નામક ઈ-મેગેઝીનનું સંપાદન તેમણૅ ચાલું રાખ્યું હતું.હજી ચાર મહિના પહેલા જ તેઓને વલી ગુજરાતી એવોર્ડ મળ્યો હતો.ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન અજોડ છે અને તેમની ઊણપ હંમેશા શાલશે.તો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા બે રચના રજૂ કરું છું...શાંતિ શાંતિ.


adil



હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

આદિલ મન્સૂરી

No comments: