જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો વદ તેરસ.એટલેકે ધનતેરસ.આજે દરેક ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ.ધનની પૂજા સાથે મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ જરૂર તો પડે જ છે.પણ આજે કંઈક અલગ વાત કરવી છે.આજે મારા ઘરમાં બાળપણથી ચાલી આવતા ધનતેરસના દિવસની સાથે સંકળાયેલી એક પ્રથા વિશે વાત કરવી છે.
અત્યારે તો ઘરમાં હું, મમ્મી ને પપ્પા જ છીએ.પણ પહેલાં તો બંને બહેન તથા દાદા-દાદી તથા બંને કાકા-કાકી અને મારા પિતરાઈ ભાઈઓ-બહેનો બધા સહકુટુંબ સાથે દિવાળી મનાવતા.ત્યારે આ દિવસે અમારે સૌથી પહેલા નાહી-ધોઈને તૈયાર થવાની હોડ રહેતી.તમે કે'શો કે એમાં શું તહેવાર અને આટલા બધા લોકો હોય તો થોડી હાડમારી રહેવાની જ.પણ ના મિત્રો આ હોડ એટલા માટે રહેતી કે અમારા દાદાએ કહેલું કે આજે નાહીએ એટલે જે તે વ્યક્તિના ગધેડા તેના જન્મસ્થળ પર જાય પછી તે ભલે ને દવાખાનાનો પ્રસુતિગૃહ હોય કે ઘરનો કોઈ ખૂણો.અને જેના ગધેડા વહેલા પહોંચે તેને વધારે માન ધન તથા દાદા તરફથી ભેટ મળે.માટે સૌથી વહેલા તૈયાર થવા માટે રીતસર પડાપડી થતી અને ખરેખર ખૂબ મજા આવતી.અને જો નહાવામાં પાછળ રહી જાય તો પણ બસના સમય સાથે પણ સરખામણી થતી કે મારું જ્ન્મસ્થળ અહીં છે તો મારા ગધેડા વહેલા પહોંચશે.ખરેખર સાથે દિવાળી મનાવવાનો આનંદ અનેરો જ હોય છે. જાણું છું કે આનો ઉદ્દેશ એટ્લો હતો કે તહેવારના દિવસોમાં વહેલા તૈયાર થઈ તેનો આનંદ માણવો આળસ ત્યજવી.હાં હવે તો દસ વર્ષ થઈ ગયા દાદાને ગયાને.પણ આજે પણ આ પ્રથાને માણવાની મજા એટલી જ આવે છે.અને માટે જ કહું છું કે પોતાના માહ્યલામાંના એ અબૂધ બાળકને હંમેશા જીવંત રાખજો.
અરે હાં આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક ૫0 કરોડ રૂ ની નોટની પણ પૂજા કરી લેજો. વળી આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે. તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ પૂજા કરીએ તો કેવું..? અરે હાં મિત્રો જે હજી મારી જેમ કુંવારા છે તેઓ પણ સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા કે બહેનની પૂજા કરી શકે છે.તો આજે માણીએ ફરીથી રમેશ પટેલનું (ગૃહ)લક્ષ્મીનું આ ગીત.
શુભ દિન શુભ ચોઘડીએ , રૂડા મંગલ ગીત ગવાયાં
સોળે શણગારે શોભે ગૃહલક્ષ્મી,મઘમઘ ફૂલે ફોરમ વરતાયા
સંગ તમારે ઝૂમશે ઝાંઝર, આંગણે મહેંકશે તુલસીક્યારો
છોડી મહિયર ભાઈ બહેનને, ગૂંથજો પ્રેમે રેશમિયો દોરો
નણંદ ભોજાઈના સ્નેહ સોગઠે, બાંધજો ભાઈને તમ પાલવડે
કુમકુમ પગલાં શોભશે દ્વારે, હાસ્યનાં મોતી વેરજો ચોકે
છાનું છપનું સંગીત ગાજો,શુભ શમણાં સજશે ગૃહલક્ષ્મીનાં
લાડ દીકરીનાં પામી તમે, પૂરજો કોડ વાલમના કેસરિયા
આંગણિયે અવસર શોભાવજો,મલકાવી ગુલાબી ગાલે ખંજન
રિધ્ધિ સિધ્ધિ તમ ચરણે દોડશે, બાંધજો પ્રેમનાં રૂડાં બંધન
હસશે રમશે પગલાં પાડી, ભાઈનો નાનો રાજ દુલારો
એકમેકના સંગે રમશું ભમશું, ખીલશે જીવન રંગ ફુવારો
સપ્તપદી છે જીવન માંગલ્ય, શોભે ચાંદલો રૂડો ભાલે
આવો મારા ભાઈની ગોરી, રમશું રાસ પૂનમની રાતે
રમેશ પટેલ(આકાશદીપ)


No comments:
Post a Comment