જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો વદ બારસ.એટલે કે વાઘબારસ.આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે.આમ તો કાલથી એટલે કે રમા એકાદશીથી જ પર્વ તો આરંભાઈ ગયો છે પણ રમા એકાદશી એટલી લોકાભિમુખ નથી પણ વાઘબારસ છે.કહે છે આપણા ભારતવર્ષમાં જેટલા ઉત્સવો ઉજવાય છે તેટલા બીજા કોઈ દેશમાં નથી ઊજવાતા વળી દરેક તહેવાર સાથે કોઈ દંતકથા કે મહાત્મ્ય જોડયેલુ છે.તેમાં થી મને માલૂમ છે ત્યાં સુધી વાઘબારસ સાથે જોડાયેલી વાતો કંઈક આવી છે.
એક વાત મુજબ આજે શક્તિના પ્રતિક સમા અને મા આદ્યશક્તિના વાહનરૂપે રહેલા વાઘની ઉપાસના એટલે કે શક્તિની આરાધના નો તહેવાર છે અને પ્રભુ સર્વેને આ તહેવાર માં એ શક્તિ અર્પે.જેથિ તેઓ આગળ પ્રગતિ કરી શકે.
વળી એક વાત એમ પણ છે કે તે વાઘ એક પ્રાણી સાથે નહી પણ તેનો અર્થ છે "વાઘ માંડવું" એટલે કે શુભ શરૂઆત કરવી.ચોપડાના પૂજન સાથે તેમાં શરૂઆત કરવી એવો પણ થાય છે.
મિત્રો જો આપ પણ આ ઉજવવાનું કારણ જાણતા હોવ કે મને જાણ છે તેમાં કોઈ ભૂલ હોય તો મને જણાવવા નમ્ર વિનંતી છે.તો આજથી દિવાળી શરૂ તો પછી ઘરની સાફ-સફાઈ, મિઠાઈ,મઠીયા વગેરે ફરસાણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હશે.તો આવી તૈયારીની યાદ સાથે આસો માસમાં આવી રહેલી આ ઉત્સવોની ટોળકી ને ચાલો માણીએ રમેશ પટેલ (આકાશદીપ) એક "દીપ" ની રચના દ્વારા...
આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી
દીવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રૂડી રંગોળી
ફટફટ કરતા ફૂટે ફટાકડા ,આકાશને દેવા નવરંગે ઉજાળી
ભોળા ભાવે ભેટે ભેરુઓ ,ઝીલીએ ખુશી ભરીને ઝોળી
શાખે ઝૂલે લીલાં તોરણિયાં, ચમકે સ્નેહે સૌનાં મુખલડાં
સૌના માટે નવાં પહેરણિયાં, મોસાળે રમે નાનાં ભાણેરિયાં
દાદાને વહાલી લાડવાની ઉજાણી, મોટા માણે મઠિયાંની મિજબાની
પપ્પાને ગમતાં મેવા મીઠાઈ, ગળ્યા ઘૂઘરાની શોખીન મમ્મી
વહાલે વધાવીએ માતા લક્ષ્મીને, દાદા હનુમંતને શરણે જઈએ
લઈને ઓવારણાં નવલા વર્ષે, ભાઈબીજને સ્નેહે સંવારીએ
નદી કિનારે જામે મેળો, જીવતરના રંગો ચગે ચગડોળે
ઢોલને ધબૂકે જોબનિયું જાગે, સોનેરી સપનોમાં મનડું મહાલે
દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી
રમેશ પટેલ(આકાશદીપ)
………………………………………….
માફ કરજો મિત્રો,કાલે ટેકનીકલ પ્રોબ્લેમના કારણે પ્રસારિત કરવા છતા રજૂ ન થઈ શકી.


No comments:
Post a Comment