જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે શ્રી ગુલાબદાસ બ્રોકરનો જન્મદિન. તેમનો જન્મ ૨૦-૦૯-૧૯૦૯ના રોજ પોરબંદર ખાતે થયો હતો.જેઓ અંગ્રેજીમાં સ્નાતક થયા હતા તથા સત્યાગ્રહની લડતમાં પણ ભાગ લીધો હતો અને ત્યારથી તેમની વાર્તાના લેખનની શરૂઆત થઈ. તેઓએ વાર્તા ઉપરાંત નાટકો, એકાંકી, વિવેચન, પ્રવાસવર્ણન, કવિતા વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે વળી તેમની રચનાઓ ભારતની અન્ય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી, ઈટાલિયન અને જર્મન જેવી ભાષાઓમાં પણ અનુવાદિત થઈ છે.તો ચાલો માણીએ તેમની એક સુંદર રચના.જે દર્શાવે છે કે કોઈના પ્રેમમાં પડ્યા બાદ કેવી વિહવળતા સર્જાય છે.
મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઇ એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં ક્હાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.


No comments:
Post a Comment