September 7, 2008

વિધવા......દામોદર ખુશાલદાસ બોટાદકર

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકરની પુણ્યતિથિ. તેઓ ૦૭-૦૯-૧૯૨૪ના રોજ અવસાન પામેલા.તેઓ સને ૧૮૭૦માં બોટાદ ગામે જ્ન્મેલા.તેમના મુખ્ય પાંચ કાવ્યસંગ્રહો કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવલિની માં કુલ ૨૧૦ જેટલા કાવ્યો તેમને ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે.તેમનું ગીત જનની ની જોડ સખી .. તો દરેકને હોઠે છે.તેઓએ એમના નારીજીવનના વિવિધ રૂપોનાં ગીતો માતા, ભાભી બહેન, કન્યા,નણંદ, સાસુ, પૌઢા ના સામાજિક સંબંધો અને લાગણીઓને ભાવસભર રજૂ કરી છે.પણ આજે વૈધવ્ય પરની આ રચના રજુ કરુ છું.




એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?



કોણે કીધો નંદનવનનો નાશ જો?
કોણે એ રસસાગર સહસા સૂકવ્યો ?
કમલકળીમાં ફૂંક્યો હાય હુતાશ જો.
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણે એ કંકણ પર કરવત વાપર્યાં ?
કોણે લૂછ્યો ચંદ્રક લાલ લલાટ જો ?
રેશમ શા એ કોમળ કેશ વિદારતાં,
કેમ હણાયા એ નહીં નિર્દય હાથ જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

ચીરી કોણે ચૂચવતી એ ચુંદડી ?
કોણે ઝડપ્યા ઝાંઝરના ઝણકાર જો ?
કોણે અળતો એ પદથી અળગો કર્યૉ ?
હીંચત હૈયે તોડ્યો નવસર હાર જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણ હરે આંસુડાં બળતી આંખનાં ?
કોણ હવે દે અણમાગ્યો આશ્વાસ જો ?
કોણ ગ્રહે એ બૂડત ઉરની બાંયડી ?
કોણ ઉકેલે અંતરના અભિલાષ જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

દામોદર ખુશાલદાસ બોટાદકર


…………………………………………


આભાર કાવ્યસુર

No comments: