July 21, 2008

અમે સૂતા ઝરણાને જગાડ્યું....ઉમાશંકર જોશી

જયશ્રી કૃષ્ણ મિત્રો,


આજે છે ૨૧મી જુલાઈ. ગુજરાતી સાહિત્યના કવિરાજ શ્રી ઉમાશંકર જોશી નો જન્મ ઇ.સ.૧૯૧૧માં આજના દિવસે ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. નખી સરોવર પર શરદપૂર્ણિમા એ તેમનું પ્રથમ કાવ્ય અને વિશ્વશાંતિ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. પછી તો તેમની કવિતાનું રમ્ય ઝરણું શબ્દનાદે કલકલ વહેવા લાગ્યું. એમના સઘળા કાવ્યોનો સંગ્રહ સમગ્ર કવિતા નામે પ્રગટ થયો છે. ઉપરાંત સાપના ભારા જેવાં નાટકો, વિસામો જેવા નવલિકા સંગ્રહો, ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો અને પારકાં જણ્‍યાં જેવી નવલકથાઓ તેમણે આપી છે. ઉમાશંકરે કવિતાના કેમેરાને કેટલાક વિવિધ એંગલે ગોઠવ્‍યો હતો. વ્‍યક્તિ મટીને બનું વિશ્વમાનવી કહેનારા ઉમાશંકરે આત્‍માના ખંડેર પણ લખ્‍યું. વાસુકિઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું. વિશ્વશાંતિના આ કવિએ કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ વગેરે તમામ સાહિત્ય પ્રકારમાં લેખન કર્યું. સાથે સાથે સંસ્કૃતિ સામાયિક દ્વારા માનવજીવનના સમગ્ર પ્રશ્નોને ઉજાગર કર્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ ગુજરાત યુનિ.ના ઉપકુલપતિ જેવા નેક ઉચ્ચપદો તેમણે શોભાવ્યા હતા.તેમને રણાજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક જેવા અનેક માન અકરામો મળ્યા હતા.આખરે તેઓ ઇ.સ.૧૯૮૮માં આપણને છોડીને ચાલ્યા ગયા.તો આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના તેમને યાદ કરવા માટૅ.


વળી આજે મને ગમતા ગીતોના સર્જનહાર અવિનાશ વ્યાસનો પણ જન્મદિન છે. તો બંનેને શ્રદ્ધાંજલિ સહ જન્મદિનની શુભેચ્છા.






અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.


અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,

કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

No comments: