જયશ્રી કૃષ્ણ મિત્રો,
ગઈકાલે આપણા લોકલાડીલા ઉર્મિબેનના ઉર્મિના સાગરને ૨ વર્ષ અને ઉર્મિસાગર.કોમ ની પ્રથમ વર્ષગાંઠ હતી તો તેમને મારા અને આપણા સૌના વતી આ અવસર પર ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. તેઓ હંમેશા આવુ સર્જન કરતા રહી આપણા જેવા ગુજરાતી સાહિત્યના રસિક-ચાતકોની પ્યાસ છીપાવતા રહે એવી પ્રભુને અભ્યર્થના. .અછાંદસથી શરૂ થયેલી ઊર્મિબેનની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ. તો આજે તેમના બ્લોગ પરથી મળેલી અને મારા આ બ્લોગના જન્મદિવસે તેમણે મૂકેલી તેમની આ રચના અહીં પ્રસ્તુત છે જે મને ખૂબ જ પ્રિય છે. વળી ગઈકાલે તેમના બ્લોગ પર એમના પોતાના અવાજમાં તમે “તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?” સાંભળ્યુ ને ? તે સાંભળીને તો તમે પણ તેમના પર ઓવારી જશો…..
‘પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
*
શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.


No comments:
Post a Comment