આજે તો છે ૩૧મી મે એટલેકે “તમાકુ નિષેધ દિન”.... તમાકુ માત્ર તેને સેવન કરનારનું જ નહીં કે તેના પરિવાર માત્રનું પણ નહી પરંતુ તેની આસપાસના સમગ્ર વિશ્વને નુકસાન કરે છે. તો ચાલો આજે સંકલ્પ કરીએ કે માત્ર પોતે જ નહી પણ બીજાને પણ આ વ્યસનમાંથી મુક્તિ અપાવીએ. અરે વ્યસન કરવુ જ હોય તો કંઈક એવુ કરો કે જેથી કોઈને પણ હાનિ ન થાય. જેમકે એક વ્યસન મને લાગ્યુ છે તે છે ગુજરાતી સાહિત્યજગતનું. વાંચનનું કે લેખનનુ કે પછી વૃક્ષનૂ જતન કરવું વગેરે વ્યસન અપનાવવા જેવા તો ખરાને. હંમેશા આપણે એક જ બાજુથી જોવા ટેવાયેલા છીએ તો ચાલો આજે કંઈક નવું અપનાવીએ. કેટલાક વ્યસન સારા પણ હોય ને... તો આજે સંદીપ ભાટિયાની એક એવી રચના પ્રસ્તુત છે જે કંઈક ધુમાડાની અસર જતાવે છે.
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.\


No comments:
Post a Comment