May 29, 2008

મળે ન મળે -’આદિલ’ મન્સૂરી

અરે હાંઆજે મારા સંગ્રહમાં વાંચતા વાંચતા આદિલજીની આ રચના નજરે ચડી અને યાદ આવ્યુ કે તેમની એક ખાસ યશકલગી ની વાત તો કરવાની રહી જ ગઈ.... ગઈ ૧૮મી મે ૨૦૦૮ના રોજ શ્રી આદિલ મન્સુરી અને શ્રી જલન માતરી ને ફકીરભાઈ વાઘેલાના હસ્તે એક એવોર્ડ એનાયત થયો.. જાણો છો તે છે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ.... વલીજી એ ગુજરાતી સાહિત્યજગતને અર્પણ કર્યું છે તેના માનમાં આ એવોર્ડ અપાય છે અને આ વર્ષે તે આ બે મહાન હસ્તીઓને મળ્યો છે તો તે માટૅ આ બંને ને ખૂબખૂબ અભિનંદન...


વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે...







નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.


ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.


પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.


વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.


વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.


આ અને અન્ય ગઝલની સમજૂતી માટૅ ગુર્જરકવિતા ની મુલાકાત તો લેવી જ રહી...

No comments: